Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ગુજરાતના યુવાનો વધુમાં વધુ રોજગારલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરીને પગભર બને એ જ સરદારધામનો લક્ષ્યાંક : પરેશ ગજેરા

ખોડલધામના પૂર્વ પ્રમુખ, ઉદ્યોગપતિ, સૌ.ઝોન સરદારધામના પ્રમુખ ગુજરાતના આગેવાન પરેશ ગજેરા સાથે અમરેલીમાં હરેશ બાવીશીની મુલાકાત : પરેશભાઇ ગજેરા ખરા અર્થમાં ગુજરાત લેઉવા પટેલ સમાજનું ગૌરવ છે : હરેશ બાવીશી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૨૦ : ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પૂર્વ પ્રમુખ, લેઉવા પટેલ ભવન સોમનાથના પ્રમુખ, સરદારધામ સૌ.ઝોનના પ્રમુખ, અગ્રણી ઉદ્યોગપતિ પરેશભાઇ ગજેરા તથા ડાયનેમિક ગ્રુપ - અમરેલીના પ્રમુખ હરેશ બાવીશીએ સૂચક મુલાકાત રાજકોટ ખાતે કરી હતી. પરેશ ગજેરા તથા હરેશ
બાવીશીની મુલાકાતમાં સમાજના ખરાઅર્થમાં સંગઠન બાબતે ગંભીર ચર્ચા થઇ હતી.

સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ પરેશભાઇ ગજેરાએ આવનારા દિવસોના પડકારો, રોજગાર, સ્વાવલંબન, સમાજ સંગઠન બાબતે સરદારધામ હંમેશા તૈયાર હતું અને રહેશે તેમ જણાવીને વધુમાં કહ્યું હતું કે સમાજનો એક - એક યુવાન રોજગારલક્ષી શિક્ષણ મેળવીને પગભર બને તે અમારી પ્રાથમિકતા હશે. એક કલાક કરતા પણ વધારે સમય ચાલેલી મુલાકાતમાં સમગ્ર સમાજ મત-મતાંતરથી દુર રહીને ખરા અર્થમાં મજબૂત બને તે માટેની વ્યુહાત્મક ચિંતા - ચિંતન અને ચર્ચા થઇ હતી.

આ તકે હરેશ બાવીશીએ જણાવ્યું હતું કે, ખોડલધામ, સરદારધામ, લેઉવા પટેલ ભવન - સોમનાથ, બિલ્ડર્સ એસો. એમ વિવિધ સંસ્થાઓના માધ્યમથી સમગ્ર ગુજરાતના લેઉવા પટેલ સમાજ માટે ખરા અર્થમાં આગેવાની કરી રહ્યા છે જે સમગ્ર ગુજરાતનું ગૌરવ છે.

(1:20 pm IST)