Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ઉના નવાબંદરની નવી જેટીનું ખાતમુહુર્ત કરવા આવતા મુખ્યમંત્રી તાલુકાને અન્ય વિકાસ કામોની ભેટ આપે તેવી પુંજાભાઈ વંશની માગણી

સીમર બંદરનો વિકાસ સૈયદ રાજપરા નવી જેટી બનાવવા એગ્રો ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા : મચ્છુન્દ્રી નદીનો પૂલ નવો બનાવવો, હાઈવેને બાયપાસ બનાવવા વગેરે વર્ષો જૂની માગણી

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૨૦ :. નવાબંદરમાં નવી જેટીનું ખાતમુહુર્ત કરવા આવતા મુખ્યમંત્રીશ્રીને આવકારીને ધારાસભ્ય પુંજાભાઈ વંશએ શહેર તાલુકાના વિકાસ માટે સૈયદ રાજપરા જેટી બનાવવા, સીમરબંદરનો વિકાસ કરવા, એગ્રો ઈન્ડસ્ટ્રીઝ શરૂ કરવા, શહેરને ફિલ્ટરવાળુ પુરતા ફોર્સથી પીવાનું પાણી પુરૂ પાડવા, મછુન્દ્રી નદીનો પૂલ નવો બનાવવા, નેશનલ હાઈવે બાયપાસ શરૂ કરવા તથા ઉના-દિવ જવા નવો નેશનલ હાઈવે રોડ બનાવવાની ભેટ મુખ્યમંત્રી આપે તેવી માંગણી કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી નવાબંદર આવી રહ્યા છે ત્યારે ઉના તાલુકાના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પુંજાભાઈ વંશે તેમને આવકારતી પત્રિકા પ્રજામાં વિતરણ કરી હતી અને એક પત્રકારોની મીટીંગ ધારાસભ્ય પુંજાભાઈ વંશે બોલાવી હતી. જેમા શહેર પ્રમુખ ગુણવંતભાઈ તળાવીયા, યુવા કોંગ્રેસ પ્રમુખ વિગેરેએ હાજરી આપી હતી અને માહિતી આપતા જણાવેલ કે નવાબંદરની પ્રથમ જેટી ૧૯૬૦માં બનાવેલ હતી, ત્યારબાદ વધુ જરૂરીયાત વધતા ૧૯૯૦માં જેટીનો વિસ્તાર વધારવા ગુજરાત સરકારમાં તે વખતમાં ચીમનભાઈ પટેલની સરકારે મંજુર કરેલ હતી પરંતુ કોઈ કારણસર કામગીરી ન કરાતા નવા પ્લાન મુજબ સરકારે ૨૦૧૭માં નવી પહોળી જેટી બનાવવા રાજ્ય સરકાર અને મેરી ટાઈમ બોર્ડ કરોડો રૂપિયા ફાળવેલ હતા.

ધારાસભ્ય પુંજાભાઈએ જણાવેલ કે ૨૦૧૭માં માંગરોળ ૨ ઓકટોબરે આવેલ. રાષ્ટ્રપતિ હસ્તે પાંચ બંદરોના વિકાસ માટે ખાતમુહુર્ત કરાયેલ હતુ, પરંતુ કામગીરી શરૂ કરાઈ ન હતી તેથી પુંજાભાઈ વંસે તે સમયે નવાબંદરથી ૧૨ કિ.મી.ની પદયાત્રા સાગરખેડુ બચાવો-જેટી બનાવોેની કાઢેલ અને પ્રાંત કચેરીએ જઈ મુખ્યમંત્રી સંબોધેલ આવેદનપત્ર આપેલ હતું. અંતે તમામ પ્રક્રિયા પૂર્ણ થતા ૧૯૧ કરોડ રૂપિયાના ખર્ચે નવાબંદરની નવી જેટી બનાવવા મુહુર્ત નિકળતા આજ રોજ મુખ્યમંત્રી ખાતમુહુર્ત કરશે.

ધારાસભ્ય પુંજાભાઈએ જણાવેલ કે ખાતમુહુર્ત કરવા આવતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉના તાલુકા અને શહેરના વિકાસ અને સુવિધા વધારવા ભેટ આપતા જાય જેમ કે સૈયદ રાજપરા બંદર જર્જરીત હાલતમાં છે. જેટી તુટી ગઈ છે. ૫૦૦થી વધુ બોટને લાંગરવા નવી જેટી બનાવવા, સીમર બંદર વરસો પહેલા ધમધમતુ હતુ. માલ વાહક વાહનો આવતા હતા તે સંપૂર્ણ બંધ થઈ ગયુ છે. સિમર બંદરનો વિકાસ કરી દરીયા માર્ગે મુંબઈ, સુરતને જોડતી સુવિધાની ભેટ આપે તેવી આશા છે., ઉનામાં ખેતીમાં વિકાસ માટે એગ્રો ઈન્ડસ્ટ્રીઝ નથી તાલુકામા મુખ્ય વ્યવસાય ખેતી છે. એગ્રો ઈન્ડસ્ટ્રીઝની સ્થાપના કરવા માંગણી છે.

હાલ ૪ ટ્રેક નેશનલ હાઈવે રોડનો બાયપાસનું કામ મહદઅંશે પૂર્ણ થઈ ગયુ છે. મછુન્દ્રી નદી ઉપર બાયપાસ પૂલ બની ગયો છે. તે પણ લોકાર્પણ કરી ઉના શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડમાંથી મુકતી આપવો. ઉના શહેરની જનતાને શુધ્ધ પીવાનું પાણી પુરૂ પાડતા હાલ જે ફિલ્ટર પ્લાન્ટ છે તે ન હોેવા બરાબર છે, તો શહેરની તમામ જનતાને શુધ્ધ પીવાનું પાણી પુરૂ પાડવા પુરા ફોર્સથી મળી રહે તે માટે ઓવરહેડ ટાંકાની ભેટ આપશે ખરા ? તે પ્રશ્ન છે. શહેરમાં પસાર થતો મછુન્દ્રી નદીનો પૂલ મોટો પહોળો બનાવવા તથા પ્રવાસ સ્થળના વિકાસ માટે દિવ જવા માટે લામધાર, વાંસ્તેજ થઈ એકમાપુર, માંડવી જોડતો નેશનલ હાઈવે મંજુર કરવા જાહેરાત કરે તેવી લાગણી - માંગણી કરી છે.

(11:44 am IST)