Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

ગુજસીટોકના ગુન્હામાં ગોંડલના નીખીલ દોંગા ગેંગના સાતેય સાગ્રીતો દસ દિ'ના રીમાન્ડ પર

મુખ્ય સૂત્રધાર નીખીલ દોંગા સહિત ત્રણને ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો લેવા તજવીજ

રાજકોટ તા. ૧૯ : ગોંડલની સબ જેલમાંથી સંગઠીત ગુન્હાહિત સામ્રાજ્ય ચલાવનાર ગોંડલના કુખ્યાત નીખીલ દોંગા અને તેની ટોળકીના ૧૧ સાગ્રીતો સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધાયા બાદ પકડાયેલ નીખીલ દોંગા ગેંગના સાતેય સાગ્રીતોને સ્પે. કોર્ટે ૧૦ દિ'ના રીમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.

રેન્જ ડીઆઇજીપી સંદિપસિંહ તથા એસ.પી.બલરામ મીણાએ ગોંડલ જેલમાંથી સંગઠીત ગુન્હાખોરીનું સામ્રાજ્ય ચલાવનાર ગોંડલના નામચીન નીખીલ દોંગા તથા તેની ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરી નીખીલની ગેંગના સાગ્રીત વિજય ભીખાભાઇ જાદવ રે. મહાકાળીનગર શેરી નં. ૪ ગોંડલ, પૃથ્વી યોગેશભાઇ જોષી રે. સાટોડીયા સોસાયટી ગોંડલ, દર્શન ઉર્ફે ગોલુ ઉર્ફે જાડો પ્રફુલ્લ સાકરવાડીયા રે. ગણેશનગર શેરી નં. ૨ ગોંડલ, વિશાલ આત્મારામ પાટકર રે. હુડકો સોસાયટી રાજકોટ, અક્ષય ઉર્ફે ગીરી સૂર્યકાંત દુધરેજીયા રે. વોરા કોટડા રોડ આવાસ યોજના કવાર્ટર ગોંડલ, દેવાંગ જેન્તીલાલ જોષી રે. સુખનાથનગર ગોંડલ તથા નરેશ રાજુભાઇ સિંધવ ઝાપડા રે. ભગવતપરા ગોંડલને ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય સૂત્રધાર નીખીલ ઉર્ફે નિકુંજ રમેશ દોંગા રે. ગાયત્રીનગર ગોંડલ હાલ અમદાવાદ સાબરમતી જેલ, નવઘણ વરજાંગ ઉર્ફે વજુભાઇ શિયાળ રે. કોઠારીયા સોલવન્ટ પાસે રાજકોટ - ગોંડલ જેલ તથા શકિતસિંહ જસુભા ચુડાસમા રે. કોઠારીયા રોડ હુડકો સોસાયટી રાજકોટ મૂળ ચરેલ હાલ સાબરમતી જેલની હવા ખાઇ રહ્યા હોય ત્રણેયનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો લેવા તજવીજ હાથ ધરી છે.

પકડાયેલ નીખીલ દોંગા ગેંગના સાતેય સાગ્રીતોને જેતપુરના એએસપી સાગર બાગમાર તથા ટીમે રાજકોટની સ્પે. કોર્ટમાં રીમાન્ડ અર્થે રજુ કરતા સ્પે. કોર્ટે સાતેય આરોપીઓને ૧૦ દિ'ના રીમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો. તેમજ જેલમાં રહેલ મુખ્ય સૂત્રધાર નીખીલ દોંગા સહિત અન્ય ત્રણનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

અત્રે એ નોંધનીય છે કે નીખીલ દોંગા ગેંગના સાગ્રીત યતીશ દિપક ગોહેલના મકાનમાંથી પોલીસને દેશી બનાવટનો તમંચો તથા દેશી બનાવટની પિસ્તોલ, ૧૭ જીવતા કાર્ટીસ, ત્રણ છરી, છ મોબાઇલ તથા ત્રણ કોરા સ્ટેમ્પ મળી આવતા તે કબ્જે કરી યતીશ ગોહેલ તથા સગીર આરોપી સામે અલગથી ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરી હતી તેમજ ગોંડલમાં રહેતા ટ્રાન્સપોર્ટર ગીરીશગીરી ગોસાઇની ફરિયાદ ઉપરથી નીખીલ દોંગા ગેંગના ગીરીશ રાદડિયા, પૃથ્વી જોષી, વિજય જાદવ અને દર્શન સાકરવાડીયા સામે બંદુક દેખાડી ધમકી આપ્યાનો ગુન્હો નોંધાયા છે. તે પૂર્વે સાગ્રીત નરેશ રાજુભાઇ સિંધવના ઘરેથી રદ્દ થઇ ગયેલી ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો મળી આવતા તેની સામે સીટી પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો.

રૂરલ એસ.પી. બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ જેતપુર એ.એસ.પી. સાગર બાગમાર તથા ટીમે રીમાન્ડ હેઠળ રહેલ નામચીન નીખીલ દોંગાના સાગ્રીતોની વધુ પૂછતાછ હાથ ધરી છે.

(11:49 am IST)