Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

યુપી ભાજપના સહપ્રભારી પદે ફરી સુનિલ ઓઝા : ૨૦૨૨ની ચૂંટણીની તૈયારી

પવિત્ર ભૂમિ વારાણસીમાં કામ કરવાનો મોકો મળ્યાનો તેમને આનંદ

રાજકોટ તા. ૧૯ : ભાવનગરના ભાજપના પૂર્વ ધારાસભ્ય શ્રી સુનિલ ઓઝાને ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ ફરી વિશેષ જવાબદારી સાથે ઉત્તરપ્રદેશના પાર્ટીના સહપ્રભારી તરીકે નિયુકત કર્યા છે. તેઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના મત વિસ્તાર વારાણસીમાં સંગઠન અને સંસદ સભ્યને સ્પર્શતી કામગીરીનું સંકલન કરી રહ્યા છે. તેઓ અગાઉ પણ યુપીના સહપ્રભારી તરીકે રહી ચૂકયા છે.

ગરવા ગુજરાતી શ્રી સુનિલ ઓઝા વારાણસીને મુખ્ય મથક બનાવી મોટાભાગે ત્યાં જ રહે છે. દેશના સૌથી મોટા રાજ્યોમાં પાર્ટીને વધુ મજબૂત અને યોગી સરકારને વધુ પ્રભાવક બનાવવા યોગદાન આપી રહ્યા છે. ૨૦૨૨ના વર્ષના પ્રારંભે ત્યાં ધારાસભ્યની ચૂંટણી આવી રહી છે. રાબેતા મુજબની સંગઠનની કામગીરી સાથે હવે ચૂંટણીની પણ તૈયારી શરૂ થઇ ચૂકી છે. યુપીમાં કાયદો - વ્યવસ્થાની સ્થિતિમાં બદલાવ આવ્યો છે અને વિકાસે વેગ પકડયો છે તે મુદ્દા ચૂંટણીમાં અગ્રસ્થાને રહેશે. સ્થાનિક પ્રવાસ, બેઠકોનો દોર વગેરેમાં સુનિલ ઓઝા વ્યસ્ત રહે છે.

શ્રી સુનિલ ઓઝાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, પવિત્ર ભૂમિ અને વડાપ્રધાનના મતક્ષેત્રમાં મને પાર્ટીના કાર્યકરો અને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. મને અહીં લાંબો સમય રહીને કામગીરી કરવાની તક મળી તેનો આનંદ છે અને તેને મારૂ સૌભાગ્ય સમજુ છું. (મો. ૯૯૨૫૨ ૪૫૬૮૦, વારાણસી)

(9:24 am IST)