Gujarati News

Gujarati News

News of Friday, 19th August 2022

ભાવેણાવાસીઓ કાન ઘેલા બન્યા : જીતુભાઇ વાઘાણી દ્વારા ઠેર-ઠેર મટકી ફોડ કાર્યક્રમો

મહારાષ્ટ્રથી 101 ગોવિંદા આવ્યા : બે ક્રેઈનો વચ્ચે 40 ફૂટ ઊંચે મટકી લગાવી : સાંજે ભુપેન્દ્રભાઈ પણ દહીં -હાંડી ક્રાયક્રમમાં જોડાશે

ભાવનગર : જન્માષ્ટમી પર્વે હવે ગુજરાતભરમાં મટકીફોડ કાર્યક્રમ યોજાયો હોય છે. ત્યારે આજે જન્માષ્ટમીના પાવન પર્વે ભાવેણા ગોકુળિયું બન્યું છે, અને જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાવનગરમાં મંત્રી જીતુભાઇ વાઘાણી દ્વારા શહેરમાં છ અલગ અલગ જગ્યા દહીહાંડીના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ માટે મહારાષ્ટ્રથી ખાસ ગોવિંદાઓ બનાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રમાંથી 101 ગોવિંદાઓ ખાસ મટકી ફોડ માટે ભાવનગર આવી પહોચ્યા હતા. ગોવિંદાઓએ માનવ પિરામિડ રચીને 40 ફૂટ ઉંચી મટકીને ફોડી હતી.

. જન્માષ્ટમી પર્વે ગોહિલવાડને કાનઘેલું કરવા મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી 101 ગોવિંદાઓ આજે દહીં-હાંડી માટે ભાવનગર આવી પહોચ્યા હતા અને મટકી ફોડી અને ભાવેણાવાસીઓને કાનઘેલા કર્યા હતા.મહારાષ્ટ્રથી આવેલા ગોવિંદાઓ દ્વારા મટકી ફોડવામાં આવી રહી હતી ત્યારે ભાવનગરવાસીઓમાં ભારે ઉત્સાહ હતો. તેઓએ ભાવેણાવાસીઓને કાન્હાના રંગમાં રંગ્યા હતા. શહેરના કાળિયાબીડ વિસ્તારથી લઈને સંસ્કાર મંડળ, નિલમબાગ જેવા જુદા જુદા સ્થળો પર બે ઉંચી ક્રેઇન વચ્ચે ૪૦ ફૂટની ઉચાઇ પર મટકીઓ લગાવાઈ હતી અને આનંદ ઉમંગ સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે ભક્તિમય વાતાવરણમાં ગોવિંદાઓએ મટકી ફોડી હતી. કાર્યક્રમ બાદ તમામ ગોવિંદાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે આજે સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ભાવનગર આવશે અને દહીં હાંડી કાર્યક્રમમાં જોડાશે.

(3:36 pm IST)