Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ભુજની અદાણી મેડિકલ કોલેજમાં છેલ્લા થોડાક દિવસોથી નર્મદા જળનો પુરવઠો અનિયમિત અને અપુરતો મળતા બોરના પાણીનો પુરવઠો વધી જતા સમસ્યા સર્જાઇ હતી : બિમાર પડેલા મોટાભાગના છાત્રોને પ્રાથમિક ઉપચાર બાદ રજા આપી દેવાશે : ભુજ મેડિકલ કોલેજમાં ડોહળા પાણી અંગે સ્પષ્ટતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: ભુજની અદાણી મેડિકલ કોલેજમાં દૂષિત પાણીના મુદ્દે સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ સમાચારો વચ્ચે અખબારી યાદી દ્વારા સ્પષ્ટતા કરાઈ છે. આ મુદ્દે સ્થાનિક મીડિયામાં પણ સમાચારો પ્રસિદ્ધ થયા હતા. અદાણી મેડિકલ કોલેજ વતી ગેઈમ્સ દ્વારા કરાયેલી સ્પષ્ટતા અનુસાર મેડિકલ હોસ્ટેલમાં નર્મદા જળ અને બોરવેલના મિક્સ પાણીનો જથ્થો ઓવરહેડ ટેંક મારફતે વિતરિત કરાય છે. જો કે, છેલ્લા થોડાક દિવસોથી નર્મદા જળનો પુરવઠો અનિયમિત અને અપુરતો મળે છે. તેથી બોરના  પાણીનો પુરવઠો વધી જતા આ સમસ્યા સર્જાઇ છે. 

છાત્રોની ફરિયાદને અમે ગંભીરતાથી લઇ બોરના પાણીનો પુરવઠો બંધ કરી દઇને બહારની ટેંકરો મારફતે શુધ્ધ પેયજળ વિતરણ શરુ કર્યુ છે. કાયાવાળુ પાણી નેટવર્કિંગ સિસ્ટમમા જતુ રહ્યું હોઇ આજે નિષ્ણાંતો મારફતે યુ.વી રેઝથી સમગ્ર નેટ્વર્કિંગ સિસ્ટમ શુધ્ધ કરવામા આવી રહી છે. આ ઉપરાંત તમામ હોસ્ટેલના ટાંકાની સફાઈ કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં આવી સમસ્યા ના સર્જાય તે માટે અમે ફિલ્ટરેશન પ્લાંટ ઉભો કરવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. જે એક માસમા કાર્યરત થઇ જશે. 

 

આ દરમિયાન અદાણી ગેઈમ્સ તરફથી ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.નરેન્દ્ર હીરાણીએ આ મામલે સ્પષ્ટતા કરતા પોતાનો પ્રતિભાવ આપ્યો હતો કે, સદભાગ્યે કોઈને ખોરાકી ઝેરની અસર કે લક્ષણ નથી. પરંતુ, કેટલાક છાત્રોને ફ્લુની અસર તળે શરદી- ખાંસી છે. 

 

આ ઉપરાંત નગરપાલિકાના સતાવાળાઓ સાથે પણ બેઠક યોજીને અને વધુને વધુ શુધ્ધ પાણીનો જથ્થો મળે તે માટે પગલાં લેવાઈ રહ્યા છે. બિમાર પડેલા મોટાભાગના છાત્રોને પ્રાથમિક ઉપચાર બાદ રજા આપી દેવાશે.

(2:09 pm IST)