Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

વિજળી પડવાની ઘટના બાદ દ્વારકાધીશ મંદિરે ફરીથી ધ્વજાજી લહેરાઇ

શ્રધ્ધા, શકિત, ભકિત અને ભાવ સાથે ધ્વજાજીનું ભાવીકોમાં ભારે મહત્વ

તસ્વીરમાં ધ્વજાજીના સમારકામ બાદ ધ્વજાજી લહેરાય તે નજરે પડે છે. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૧૯: જેના ઉપર ધર્મ ધ્વજા ફરકતા જોતા સાથે જ ભાવીકો અશ્રુ સાથે ભાવ વિભોર થાય છે તેવા રાજાધિરાજ દ્વારકાધીશરાયજીના દેવળ ઉપર ફરકાતા બાવન ગજના ધ્વજાજી ઉપર આજથી ૬ દિવસ પહેલા બપોરના મંદિરના બંધ સમયે વિજળી પડતા ધ્વજાજીના ફાટા પડી ગયા હતા અને ધ્વજાજીના દંડને પણ નુકશાન થયું હતું.

ગઇકાલે સવારથી આર્કોલોજીના એ.એસ.આઇ. શાહાના માર્ગદર્શન હેઠળ જુદા જુદા પંદર જેટલા કારીગરો, મજુરો અને ગુગળી જ્ઞાતી તથા અબોટી બ્રાહ્મણોના નિષ્ણાંતોએ આખરે ધ્વજાજી દંડને રીપેરીંગ કરી જરૂરીયાત મુજબના લાકડાના સ્તંભો તથા એસ.એસ.મટીરીયલ્સના બ્રેકટ વિગેરેથી ફરી પુનઃ  સ્થાપન કરાયા છે. આજે બપોરના ભાગે કાર્ય પુર્ણ થતા રાજભોગની ધ્વજાજીના સમયે ત્રીજા નંબરની ધ્વજાજીને નિત્યક્રમ મુજબ ફરકાવાયા હતા. દ્વારકા પાલીકાની ફાયરની ટુકડી પણ સાવચેતી  માટે તૈનાત કરવામાં આવી હતી.

સાત માળ અને ૧પ૦ ફુટની ઉંચાઇએ આવેલા ભગવાન દ્વારકાધીશરાયજીના શિખર હજારો વર્ષ થયા છે અને વર્ષોથી ધ્વજાજીની કાર્ય નિત્યક્રમ થતી હોય છે. આમ શ્રધ્ધા, શકિત, ભકિત, ભાવ સાથેના સંગમ સમાન ધ્વજાજીનું ખુબ જ વિશેષ મહત્વ છે.

(11:42 am IST)