Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

ભાવ ગગડી જતા ખેડૂતો ક્રોધિતઃ લીંબુડી ઉપર ટ્રેકટર ફેરવી દીધા

હળવદના માથકમાં મોટાભાગના ખેડૂતોએ બબ્બે પાંચ-પાંચ વીઘા લીંબુના વાવેતરને અલવિદા કર્યું

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૧૯: કોરોના મહામારી બાદ લીંબુના ભાવ તળિયે બેસી જતા કંટાળી ગયેલ હળવદ પંથકના લીંબુ પકવતા ખેડૂતો હવે ઉભા પાક ઉપર ટ્રેકટર ફેરવી લીંબુડીને કાયમી અલવિદા કરી રહ્યા છે.

હળવદ પંથક લીંબુ ઉત્પાદનનું હબ ગણાય છે, ખાસ કરીને માથક સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો બેથી પાંચ વીઘા સુધીના લીંબુના બગીચા ધરાવે છે અને હાલમાં તમામ ખેડૂતોના બગીચામાં અંદાજે સાતથી આઠ વર્ષના લીંબુના ઝાડ લીંબુથી લુમેઝૂમે છે પરંતુ લીંબુના ભાવમાં ગાબડા પડી જતા હવે લીંબુની માવજત ખેડૂતોને માથે પડી રહી હોય ઉભા બગીચા ઉપર ખેડૂતો ટ્રેકટર ફેરવી રહ્યા છે.

નવા માથક મહાવીરનગરમાં રહેતા ખેડૂત ઘનશ્યામભાઈ નાગજીભાઈ બારડ કહે છે કે, હાલમાં બજારમાં રૂપિયા ૨૦૦ પ્રતિમણના ભાવે લીંબુ વેચાઈ રહ્યા છે. જેની સામે એક બાચકી લીંબુ ઉતારવાનો ખર્ચ શ્રમિકને રૂ.૭૦ અને ભાડાના રૂપિયા ૬૦ પ્રતિ બાચકું અને ૨૦ રૂપિયા દલાલી ચૂકવતા ખેડૂત પાછળ પ્રતિમણ ૫૦ રૂપિયા બચે છે. એ જોતાં વીદ્યે પાંચ હજાર રૂપિયાની પણ કમાણી થતી ન હોય ખેડૂતો લીંબુના બગીચાથી કંટાળી ગયા છે.

લીંબુનો બગીચો ધરાવતા ખુમાનભાઈ હેમુભાઈ જણાવે છે કે હળવદ પંથકના લીંબુ માત્ર ગુજરાત જ નહીં પણ દિલ્હી સુધી જાય છે પરંતુ સાતથી આઠ વર્ષની માવજત કરી ઉછરેલા લીંબુના બગીચામાં સારૃં વળતર મળતું ન હોય ખેડૂતો હવે લીંબુના પાકથી કંટાળી ગયા છે. અને હવે કયારેય લીંબુનું વાવેતર નહિ કરવા નક્કી કરી લીંબુને અલવિદા કર્યું છે.

(11:37 am IST)