Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

મોરબી સિરામિક ઉદ્યોગની ચિંતામા વધારો : વોલ ટાઇલ્સમાં વપરાતા વાઇટ બોડી ક્લેના ભાવમાં ઓચિંતો ભાવ વધારો

રો-મટીરીયલ્સનો ભાવ વધરા સ્પ્રે ડાયર એસો.એ લીધો નિર્ણય : નવો ભાવ કેશમાં રૂ. 2350 અને ક્રેડિટમાં રૂ. 2500 આગામી 21મીથી લાગુ

મોરબી સિરામિકને વધુ એક ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. મોંઘવારીમાં મોટાભાગના રો-મટીરીયલ્સના ભાવ વધી રહ્યા છે. તેવાં વધુ એક રો-મટીરીયલ વાઇટ બોડી ક્લેના ભાવમાં પણ સ્પ્રે. ડાયર એસોસિએશને વધારો જાહેર કર્યો છે.
મોરબીમાં સિરામિક ઉદ્યોગો આજે આપબળે અનેક પડકારો ઝીલીને વિશ્વ કક્ષાએ છવાઈ ગયેલા છે. પણ હવે નંબર 1નું સ્થાન મેળવવામાં ચીન સાથે સીધી હરીફાઈ હોય, ઉદ્યોગો હરીફાઈમાં ટકી રહી આગળ વધવા ઈચ્છે છે. પરંતુ એક પછી એક સમસ્યા તેને ટકી રહેવામાં બાધારૂપ બની રહી છે. ગેસના ભાવો વધ્યા બાદ ઉદ્યોગોને આજે વધુ એક માર પડવા જઈ રહ્યો છે.
મોરબી સિરામિક સ્પ્રે ડાયર એસો. દ્વારા આજે વોલ ટાઇલ્સમાં વપરાતા વાઇટ બોડી ક્લેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રો-મટીરીયલ જેવા કે કોલસા, સિલિકેટ, ટ્રાન્સપોર્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી સતત ભાવ વધારો થઈ ગયો હોય, આ બાબતે સ્પ્રે ડાયર એસોસિએશનના તમામ સભ્યોની આજે વર્ચ્યુઅલ મિટિંગ યોજવામાં આવી હતી. તમામ સભ્યો સાથે ચર્ચા થયા બાદ ફરજિયાત રીતે તા.21 મેથી વાઇટ બોડી ક્લેના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નવા ભાવ કેશમાં 2350 અને ક્રેડિટમાં 2500 નક્કી કરવામાં આવ્યા છે.

(11:11 pm IST)