Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

જસદણમાં હોસ્‍પિટલના લોકાર્પણના લગાવેલા ર્હોડિંગમાં અજાણ્‍યા તત્‍વોએ ચોકડીનો પીછડો ફેરવી દેતા ચકચાર

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ,તા.૧૯ :  આટકોટ ખાતે આગામી તા.૨૮મીએ કે.ડી.પરવાડીયા મલ્‍ટી સ્‍પેશ્‍યાલીટી હોસ્‍પિટલનુ  નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે લોકાર્પણ થવાનું છે. જેને લઈને હોસ્‍પિટલ દ્વારા જસદણ શહેરભરમાં કાર્યક્રમને અનુરૂપ ર્હોડિંગ લગાવવામાં આવ્‍યા છે. પરંતુ જસદણ શહેરના ચિતલીયા કુવારોડ પર લગાવેલા ૧૦ જેટલા ર્હોડિંગ પર કોઈ અજાણ્‍યા તત્‍વોએ ખોટા ચિન્‍હનો ચોકડીરૂપી પીછડો ફેરવી દેતા શહેરભરમાં અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્‍યું હતું. જોકે આ કળત્‍ય કોણે કર્યું કે પછી કોઈ રાજકીય રંગ ઉમેરવા માટે આ થયું હશે તે અંગે જસદણના નગરજનોમાં મોઢા તેટલી વાતો થવા લાગી છે. જોકે આ કળત્‍યના મૂળ સુધી પહોંચવા માટે આઈ.બી.ને તપાસ સોંપવામાં આવી હોવાનું પણ સુત્રોમાંથી જાણવા મળ્‍યું હતું. આ અંગે લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે, આટકોટ ખાતે જે હોસ્‍પિટલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે તેમાં ખોડલધામના નરેશભાઈ પટેલ અને પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા સહિતના પાટીદાર સમાજના દિગ્‍ગજ આગેવાનોનાં નામ આમંત્રણ પત્રિકામાં લખેલ ન હોવાથી તેના વિરોધના ભાગરૂપે આ કળત્‍ય કરવામાં આવ્‍યું હશે. જોકે આ લખાય છે ત્‍યાં સુધી આ કળત્‍ય બાબતે કોઈ સત્તાવાર માહિતી તંત્ર દ્વારા મળી ન હતી. 

(11:34 am IST)