Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

મીનીકુંભ મેળાની જાહેરાતથી ભવનાથના યાત્રા પ્રવાસના દરવાજા ખુલ્યાઃ જ્ઞાતિ સમાજો ટ્રસ્ટો ઉતારા મંડળ દ્વારા આવકાર

જૂનાગઢ તા. ૧૭,  જૂનાગઢ શહેરની ભવનાથ તળેટી અને ગિરનાર પર્વતીય તિર્થો અને ધર્મસ્થાનકો ભાવીકો માટે કાયમ માટે શ્રધ્ધાનું કેન્દ્ર રહ્યા છે. રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મહાશિવરાત્રીના મેળામાં ભાવીકો સાથે ધર્મમેળામાં ઉપસ્થિતી નોંધાવી અન્નક્ષેત્રો અને સેવાભાવી પ્રવૃતિની વીગતો મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ શિવરાત્રીની સંધ્યાએ ભવનાથ મહાદેવનાં આશિર્વાદ મેળવી આવતા વર્ષે શિવરાત્રીના મેળાને મીનીકુંભ મેળાનું સ્થાન આપી ઉજવણી કરવાની જે જાહેરાત કરી હતી.

 જ્ઞાતિ સમાજો-ટ્રસ્ટોનું ઉતારા મંડળ ભવનાથનાં પ્રમુખશ્રી અને પુર્વ પશુપાલન રાજયમંત્રીશ્રી દેવાણંદભાઇ સોલંકી તથા મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ભાવેશભાઇ વેકરીયાએ આવકારતા જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રીશ્રીનાં નિર્ણય થકી આવનાર દિવસોમાં ભવનાથ તિર્થક્ષેત્રનાં સ્થળોમા માળખાગત સુવિધા અને યાત્રીસુખાકારીના કાર્યો કરવામાં વેગ તો આવશે જ સાથે સાથે રોજગારીમાં પણ વધારો થશે. જૂનાગઢની શિવરાત્રીની સંતોની શિવ આરાધના અને ધાર્મીક અને ઐતિહાસીક બાબતો વૈશ્વિક ફલક સુધી પહોચતી થવામાં વેગ મેળશે. ભવનાથ તિર્થક્ષેત્રનાં વિકાસ માટે રાજય સરકારશ્રી દ્વારા વિવિધ આયામો થકી અનેકવિધ પગલા લીધા જ છે. ત્યારે આગામી શિવરાત્રીનું પર્વ મીનીકુંભના સ્વરૂપે ઉજવાશે ત્યારે ભવનાથ દેશનાં નકશામાં અદકેરૂ સ્થાન હાંસલ કરશે. સરકારશ્રીનાં નિર્ણયનો યશ જૂનાગઢની પત્રકારીતાને આપતા જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોનું ઉતારા મંડળનાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ભાવેશભાઇ વેકરીયાએ જણાવ્યુ હતુ કે સમાજ વ્યવસ્થા હોય કે ઉતારા મંડળ હોય જરૂરીયાત મુજબ માંગ હોય ત્યારે સમગ્ર જૂનાગઢ જ નહીં પણ ગુજરાતને યશ મળે તેવી સામુદાયીક રજુઆતો અને ભવનાથ તિર્થનાં સમુળગા વિકાસની વાત રાજય સરકારે જો સ્વીકાર કરી અને સંતોષી હોય તો તેનો યશ જૂનાગઢનાં ચોથી જાગીરનાં જાગત પ્રહરીઓ એટલે કે પત્રકારોને ફાળે જાય છે. વર્ષ ૨૦૧૬ થી જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોનું ઉતારા મંડળની માંગને અને ભવનાથ અને શિવરાત્રીના મેળાની વૈશ્વિક ઓળખ મળે તે દિશામાં જૂનાગઢનાં જૂનાગઢના પત્રકારોએ વાતને ઉજાગર કરી છે અને આનંદ એ વાતનો છે કે રાજયનાં દિર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ શિવરાત્રીના મેળામાં રવાડીના દર્શન કરી અને પર્વને મીનીકુંભનાં સ્વરૂપે આગલા વર્ષે ઉજવણી કરવાની નેમ વ્યકત કરી એ ધન્ય ઘડી બની રહી છે. આ તકે જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોનું ઉતારા મંડળનાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રીએ માધ્યમકર્મીઓનું શાલ અને પ્રશસ્તિપત્રથી બહુમાન કર્યુ હતુ. 

           જ્ઞાતિ સમાજો ટ્રસ્ટોનું ઉતારા મંડળનાં ચેરમેનશ્રી દેવાણંદભાઇ સોલંકીએ ભવનાથ તિર્થક્ષેત્ર આપણી પ્રાચિન પરંપરાનું કેન્દ્ર છે. અહીં ધર્મસ્થળો સાથે ધર્મયાત્રા પર્યટનની વિપુલ તકો રહેલી છે. ભવનાથ અને આસપાસના તિર્થક્ષેત્રમાં વિવિધ ધર્મ/સંપ્રદાય અને માન્યતાઓની ધરોહર સાથે અનેક ધર્માલયો ભાવીકોને આવકારે છે. ત્યારે મુખ્યમંત્રીશ્રીએ મીનીકૂંભની કરેલ જાહેરાત ખરા અર્થમાં ભવનાથનાં યાત્રા પ્રવાસનનાં દરવાજા ખોલ્યા છે. અગ્રણી શ્રી નાગદાનભાઇ ડાંગર, શ્રી કારાભાઇ સીઘલ, ગોવીંદભાઇ વેગડ, મહાદેવગીરીજી, લાલજીભાઇ અમરેલીયા, પ્રવિણભાઇ સોજીત્રા, મગનભાઇ સાવલીયા, શ્રી હરેશભાઇ ઠુમરે ભવનાથ તિર્થક્ષેત્રનાં સામુદાયીક વિકાસ માટે મીનીકૂભનું આગામી વર્ષનું આયોજન એ જ તો વિકાસનું તોરણ બંધાણુ છે, આમ શ્રી જ્ઞાતિ સમાજ-ટ્રસ્ટોના ઉતારા મંડળનાં ટ્રસ્ટીશ્રીઓએ રાજયનાં મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કરી ભવનાથનાં વિકાસ માટે થયેલ નિર્ણયને આવકાર્યો હતો. (૪૦.૨)  (તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(12:08 pm IST)