Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

મોરબી જિલ્લા પંચાયતની કારોબારી બેઠકમાં ૪૧ બિનખેતી ફાઇલોનો નિકાલ

જિલ્લા પંચાયતની લાંબા સમયે મળેલી કારોબારી બેઠકમાં વિકાસકાર્યોને બહાલી અપાઇ

મોરબી તા. ૧૭ : વિધાનસભા ચુંટણીઓ અને ત્યારબાદ ગ્રામ પંચાયત ચુંટણીને પગલે જીલ્લા પંચાયતની કારોબારી બેઠક મળી ના હોય અને લાંબા સમય બાદ મળેલી કારોબારી સમિતિની બેઠકમાં અનેક વિકાસકાર્યોને બહાલી ઉપરાંત ૪૧ બિનખેતી ફાઈલોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

મોરબી જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા અને ડીડીઓ એસ. એમ. ખટાણાના અધ્યક્ષસ્થાને મળેલી કારોબારી સમિતિની બેઠકમાં રજુ થયેલા ૨૮ એજન્ડાઓ ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી રજુ થયેલા સહિતના ૩૦ થી વધુ એજન્ડાઓને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા તો કારોબારી બેઠકમાં વરસાદ સમયે રોડ રસ્તાને જે નુકશાની થવા પામી હતી જેના તાકીદે થયેલા રીપેરીંગ કામ માટે ૭૦ લાખથી વધુની રકમની ચુકવણી કરવામાં આવી છે.

ઉપરાંત જીલ્લા વિકાસ અધિકારી દ્વારા કલેકટરને રજૂઆત કરીને નવી ડીડીઓ કચેરીમાં પાર્કિંગ જગ્યા માટેની માંગ કરવામાં આવી છે તે ઉપરાંત ઉનાળામાં પીવાના પાણીની તંગી ના સર્જાય તે માટે તળાવ અને ચેકડેમમાં કાપ કાઢી ઊંડા ઉતારવા સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી તેમજ હળવદ અને મોરબી ખાતેના રેસ્ટહાઉસના રીપેરીંગ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

કારોબારી બેઠક લાંબા સમય બાદ મળી હોય પેન્ડીંગ રહેલી બિનખેતી ફાઈલોનો પણ નિકાલ કરવામાં આવ્યો હતો. કારોબારી બેઠકમાં રહેણાંકની ૧૩, વાણીજયની ૦૬ અને ઉદ્યોગ હેતુની ૨૦ તેમજ શરતભંગની ૨ મળીને કુલ ૪૧ બિનખેતી ફાઈલો મંજુર કરવામાં આવી હતી અને ૧૩૪.૨૧ એકર બિનખેતીને મંજુરી આપવામાં આવી હતી.

મોરબીમાં મચ્છુ ડેમની ખુલ્લી  કેનાલ ઉપર રસ્તો બનાવવા માંગ

મોરબીના લીલાપર રોડ ચોકડીથી રવાપર ચોકડી સુધી ખુલ્લી કેનાલ જોખમી હોય જે મામલે મોરબીના ઇન્ચાર્જ ચીફ ઓફિસરે સિંચાઈ વિભાગને લેખિત પત્ર લખીને કેનાલ પર રસ્તો બનાવવાની માંગ કરી છે.

લીલાપર રોડ ચોકડીથી રવાપર રોડ ચોકડી થઈને કંડલા બાયપાસઙ્ગ સુધી ખુલ્લી કેનાલ ઉપર આર.સી.સી છત કરીને રસ્તો બનાવવાની માંગ ઉઠી છે. સંબંધિત વિસ્તાર સુધીની મચ્છુ ડેમની મોટી કેનાલ મોરબી નગરપાલિકા હદ વિસ્તારમાંથી પસાર થાય છે. વળી આ વિસ્તાર રહેણાંક વિસ્તાર હોવાથી ભારે જોખમી છે. અવારનવાર અઘટિત બનાવો બનતા રહે છે. વારંવાર કેનાલમાં ઢોર વગેરે પડી જવા, બાજુમાંથી સ્ટેટ હાઈવેના ભારે વાહનો ખાબકી પડવા અને અકસ્માત પણ થતા રહે છે.

વધુમાં આજુબાજુના રહિશો દ્વારા ગંદકી પણ કરવામાં આવતી હોવાથી ખુલ્લા ભાગને બંધ કરી રસ્તો બનાવવાની તાતી જરૂરિયાત છે. કેનાલ ઉપર આર.સી.સી છત કરીને રાહદારી રસ્તો બનાવવામાં આવે તો તમામ મુશ્કેલીઓ દૂર કરી શકાય તેમ છે. જેથી કેનાલ ઉપર છત કરીને રસ્તો બનાવવા માટે મોરબીના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ સિંચાઈ વિભાગને એન.ઓ.સી આપવા રજૂઆત કરી છે.(૨૧.૫)

(12:06 pm IST)