Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

દેવભૂમિ દ્વારકામાં સંકલન સમિતિની બેઠક પ્રભારી સચિવ ઠાકરના અધ્યક્ષ સ્થાને યોજાઇ

દેવભૂમિ દ્વારકા : જિલ્લાની સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી સભાખંડમાં જિલ્લાના પ્રભારી સચિવ અને સેટલમેન્ટ કમીશનરશ્રી નલીન ઠાકરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. પ્રભારી સચિવ નલીન ઠાકરે રાજય સરકાર તરફથી પ્રાયોરીટી આપેલ મુદા જેવા કે આગામી સમયમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થાય તો તેના નિવારણ માટે જરૂરી પગલા, પાણીના સોર્સ, નર્મદા તેમજ સ્થાનિક ડેમોમાંથી પાણી પુરૂ પાડવા બાબતેની વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાંત ખેતીવાડી શાખા દ્વારા સાધન સહાયની અરજીઓ તથા પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંગેની અરજીઓની સમીક્ષા, વ્યવાજબી ભાવની દુકાનો અંગેની તથા આધારકાર્ડ જોડાણ અંગેની કામગીરીની સમીક્ષા તથા ગ્રામ વિકાસ એજન્સીના કામોની, આરોગ્ય વિભાગના કામોની, આઇ.સી.ડી.એસ.,મુખ્યમંત્રી સડક યોજના, પીજીવીસીએલ, સહકારી મંડળીઓ વગેરે વિભાગના કામોની સમીક્ષા કરી હતી. કલેકટરશ્રી આર.આર. રાવલે જિલ્લા પંચાયત પ્રમુખ તરફથી રજુ થયેલ પ્રશ્નોના ત્વરિત નિવારણ અંગે લગત વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ તરફથી જિલ્લામાં સ્ટાફની ઘટ અંગેનો પ્રશ્ન પ્રભારી સચિવના ધ્યાને મુકવામાં આવ્યો હતો.  આ બેઠકમાં નાયબ કલેકટરશ્રી માંડોત, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી વી.પી. પટેલ, માર્ગ અને મકાન વિભાગના શ્રી ભાલોડીયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર.કે. પટેલ તેમજ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ/ પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહયા હતા તે પ્રસંગની તસ્વીર.

(12:01 pm IST)