Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

પોરબંદરના મુસ્લીમ સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે હાશ્મીમીંયાનો ''મેરા ભારત મહાન''

પોરબંદર તા.૧૭:  હુઝુર ગાઝીએ મિલ્લત સુન્ની મુસ્લીમ સમાજના 'શેર' સૈયદ મુહમ્મદ હાશ્મીમીંયા સાહેબની તકરીરનો શાનદાર ''મેરા ભારત મહાન'' મહાસંમેલન ગુરૂવારના રોજ પંજેતની ગૃપ-પોરબંરદ દ્વારા પોરબંદરના ચોપાટી પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવતા પોરબંદર સહીક સમગ્ર સૌરાષ્ટ્રના દરેક ગામો શહેરમાંથી આશરે દસ હજારથી પણ વધુ સંખ્યામાં મુસ્લીમ ભાઇઓ-બહેનો ઉમટી પડ્યા હતા. તેમ આરીફ મલેકની યાદી જણાવે છે.

આરિફ મલેકના જણાવ્યા મુજબ આ ઐતિહાસિક કાર્યક્રમમાં સૈયદ મુહમ્મદ હાશ્મીમીંયા સાહેબ અશરફીયુલ જીલાની કીછોછા શરીફે તેમના અનોખા અંદાજમાં ફરમાવ્યું હતું કે હું સમગ્ર વિશ્વમાં કુલ ૩૫ દેશો સહીત ૫ મહાદ્વીપોમાં પ્રવચનો કર્યા છે. પણ ભારત દેશ જેવી કયાંય ભાઇચારો, એકતા નથી. હું દરેક દેશોમાં અને ભારતભરમાં દીનનું કામ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશો લઇને જાવ છું. અને તેવી જ રીતે અહીં પોરબંદરમાં આ સંદેશો લઇને આવ્યો છું. આપણને આપણા દેશ ભારત પર ગર્વ છે. આપણા લોહીમાં દેશપ્રેમ છે. હું કાશ્મીરથી કન્યાકુમારી સુધી દરેક ગામ-શહેરોમાં ગયો છું, દરેક જગ્યાએ મને અલગ અલગ ભાષા, સામાજિકી રહેણી કરણી અને ભૌગોલિક સ્થિતી, વાતાવરણ જોવા મળ્યુ છે તે મને વિશ્વમાં એકેય દેશમાં જોવા મળ્યુ નથી. ભારત દેશ એ કુદરતની અમૂલ્ય ભેટ છે જયાં દરેક ધર્મોને માનનારા લોકો પ્રેમભાવથી વસે છે અને પોતાના ત્યોહારો ઉજવે છે, પોતાના ભાઇચારા-એકતા માટે જાણીતા છે અને આપણો દેશ અસંખ્ય સુફી સંતોનો દેશ છે. અને આપણે બધાએ એક અને નેક બનવાની જરૂર છે. અને આપણો ભારત દેશ મહાન છે... અને મહાન રહેશે.

આ કાર્યક્રમમાં હાશ્મીમીંયા સાહેબ કીછોછા શરીફેના સ્વાગતમાં ૧૦૦ની આસપાસ ફોરવ્હીલર તેમજ મોટી સંખ્યામાં ટુ વ્હીલર મોટરસાયકલ સહીતના કાફલા સાથે પ્રોગ્રામ સ્થળ સુધી લઇ આવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમની અંદર પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવી હતી.

આ કાર્યક્રમની સાથે સાથે ન્યાઝનો પ્રોગ્રામ રાખેલ હતો આ સમગ્ર કાર્યક્રમને ફેસબુક અને યુટયુબના માધ્યમથી હજારો અને લાખોની સંખ્યામાં લોકોએ લાઇવ પ્રોગ્રામ નિહાળ્યો હતો.

આ મહાસંમેલનમાં ગુજરાત ભરના સુફી સંતો, પીરે-તરીકતો-સાદાતે કીરામ, ઉલમા-એ કીરામ, મુસ્લીમ સમાજના આગેવાનો સહીત કુલ દસ હજારથી વધુ ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અને બહેનો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા ૪ માસથી પણ વધુ સમયથી હાજી વલી મહમદ સાંધ (એ.એસ.આઇ.), હાજી કાસમ હાજી ઉમર સંધાર (પૂર્વ પ્રમુખ સુન્ની અંજુમને ઇસ્લામ), ફારૂકખાન હાજી હુસેનખાન શેરવાની (પ્રમુખ સમસ્ત સીપાઇ જમાત-પોરબંદર), હબીબી ઉમર મલેક (ખીરા ટ્રાન્સપોર્ટ), હાજી અબ્બાસ હાજી અમર આરબ (પ્રમુખ આરબ જમાત-પોરબંદર) સહીતના પોરબંદરના વડીલોના માર્ગદર્શન નીચે  પંજેતની ગૃપ-પોરબંદર દ્વારા સફળ બનાવેલ હતો.

આ મહાસંમેલન સફળ થતાં પંજેતની ગૃપને પોરબંદરની વિવિધ જમાતોના પ્રમુખો, મુસ્લીમ આગેવાનો સહીતના લોકોએ મુબારકબાદી આપેલ હતી. તેમ આરીફ મલેકની યાદીમાં જણાવેલ છે.(૧.૩) 

(11:52 am IST)