Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

બંધ પડેલી વેરાવળ - અમદાવાદ -વેરાવળ રાત્રિ ટ્રેનને ગુરૂવારથી ફરી શરૂ થશે

(વિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા.૧૯ : છેલ્લા ૯ માસથી બંધ પડેલી વેરાવળ અમાદવાદ વેરાવળ સુપરફાસ્ટ  ટ્રેન આવતા ગુરૂવાર તા.ર૧ જાન્યુઆરી શરૂ થનાર છે.

વરસોથી વેરાવળ અમદાવાદ વેરાવળ વચ્ચે ચાલતી આ સુપર ફાસ્ટ રાત્રિ ટ્રેઇન કોરોનાના કારણે ગયા માર્ચ માસમાં બંધ થઇ હતી. પરંતુ ધીમે ધીમે મહત્વની ટ્રેનો ફરી શરૂ થઇ રહી છે. તે જ રીતે આ મેઇન ટ્રેન પણ ગુરૂવારે વેરાવળથી ફરી શરૂ થનાર છે.ુ

રેલ્વેના સ્થાનિક સતાવાળાઓના જણાવ્યા મુજબ આ ટ્રેન દરરોજ રાત્રીના ૯ કલાકે પ૦ મીનીટે વેરાવળથી ઉપડી બીજા દિવસે સવારે પ.૪૦ કલાકે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર પહોંચશે. એ જ રીતે એ ટ્રેન  દરરોજ રાત્રીના ૧૦ કલાકે અને ૧૦ મીનીટે અમદાવાદથી ઉપડી બીજા દિવસે સવારે ૬ કલાકે વેરાવળ પહોંચશે.

આ રેલ અગાઉની જેમ વેરાવળથી ઉપડી વચ્ચે આવતા (૧) ચોરવાડ (ર) માળીયા હાટીના (૩) કેશોદ (૪)જુનાગઢ - (પ) જેતલસર (૬) નવાગઢ (૭) વિરપુર (૮) ગોંડલ (૯) ભકિતનગર (૧૦) રાજકોટ જંકશન (૧૧) વાંકાનેર (૧ર) થાન (૧૩) સુરેન્દ્રનગર (૧૪) વિરમગામ રેલવે સ્ટેશન ઉપર પહોંચશે અને એ જ રીતે અમદાવાદથી ઉપડી પરત આવતા આ બધા શહેરોમાં ઉપર  થોભશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર કોચ અને જનરલ કોચ હશે, પરંતુ જનરલ કોચમાં અગાઉથી રીઝર્વેશન કરાવેલ હશે તો જ બેઠક મળશે નહિતર અહી અગાઉથી છેલ્લી ઘડીએ પણ રહી જવાતુ તેમ હવે નહી જવાય.

(1:20 pm IST)