Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સાવરકુંડલા તાલુકા માટે કોરોના વેકસીન કામગીરીનો પ્રાંત અધિકારીના હસ્તે પ્રારંભ

પ્રથમ રસી બ્લોક હેલ્થ ઓફિસર ડો.મીનાએ લીધી

સાવરકુંડલા તા.૧૯ : સમગ્ર વિશ્વ કોરોનાં મહામારી સામે રક્ષણ મેળવવા માટે અસરકારક રસીની રાહ જોઇ રહયુ છે. ત્યારે ભારતમાં રસીકરણનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. અમરેલી જીલ્લામાં પણ અમરેલી રાજુલા અને બગસરાના કેન્દ્રો ઉપર રસીકરણ કરાયા બાદ સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે વેકસીનેશન કેન્દ્રનો પ્રાંત અધિકારી ગોહિલના હસ્તે દિપ પ્રાગટયથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અહિં રસીકરણના પ્રારંભ પ્રસંગે જીલ્લા આરોગ્ય કવોલીટી અધિકારી ડો. જાટ બ્લોક હેલ્થ ઓફિસર ડો. મીના સાથે સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ હાજર રહયા હતા. સ્થાનિક કર્મચારીઓ દ્વારા આ પ્રસંગે વેકસીન કેન્દ્રને રંગોળીથી સુશોભીત કરી કેન્દ્રનો એક ઉત્સવનો માહોલ ઉભો કર્યો હતો. વેકસીનેશન કેન્દ્રનાં દિપ પ્રાગટય બાદ પ્રાંત અધિકારીશ્રી ગોહિલે જણાવ્યું કે ભારતમાં અપાનારી વેકસીન સંપુર્ણ પણે સ્વદેશી અને સલામત છે. તેનાથી કોઇએ પણ જરા પણ ગભરાવવાની જરૂર નથી. ત્યારબાદ બ્લોક હેલ્થ ઓફિસર ડો. મિનાએ પ્રાંત અધિકારી ગોહિલ જીલ્લા આરોગ્ય કવોલીટી અધિકારી ડો. જાટ અને સ્થાનિક આરોગ્ય કર્મચારીઓની હાજરીમાં પ્રથમ વેકસીન લીધી હતી. વેકસીન આપતી વખતે ઉપસ્થિત કર્મચારીઓએ મંત્રોચ્ચાર કરી સકારાત્મક વાતાવરણ ઉભુ કર્યુ હતુ.

કુલ સીતેર પ્રથમ હરોળના આરોગ્ય કર્મચારીઓને વેકસીન આપવામાં આવશે જે ક્રમશઃ શરૂ રાખી તમામ કર્મચારીઓને આવરી લેવામાં આવશે ડો. મીના બાદ ઓર્થોપેડીક  સર્જન ડો. ચિરાગ પરમારે પણ વેકસીન લઇ લોકોમાં  વેકસીન પ્રત્યે વિશ્વસનીયતા અને જાગૃતિ લાવવાના પ્રયાસમાં સહયોગ આપ્યો હતો. અંતમા પ્રાંત અધિકારીએ વેકસીન સંપુર્ણ સલામત અને અસરકારક હોય કોઇએ પણ ગભરાવાની જરૂર નથી. તેમ જણાવ્યું હતું. તસ્વીરમાં દિપ પ્રાગટય કરતા પ્રાંત અધિકારી ગોહિલ અને ઉપસ્થિત કર્મચારીઓ અને રસી લેતા ડો.મિનાએ જણાય છે.

(12:54 pm IST)