Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ગઢડામાં ઈંટના સળગતા ભઠ્ઠા પર સૂઈ જતાં બે યુવાનનાં મોત

દારૂના નશામાં યુવાનો ભાન ભૂલ્યા ને જીવ ગુમાવ્યો : કઈ રીતે ઈંટના સળગતા ભઠ્ઠા ઉપર પહોંચી ગયા, તેમને ગરમી કેમ ન લાગી એ બાબત તપાસનો વિષય બની

અમદાવાદ, તા. ૧૮ : દારૂના નશામાં વ્યક્તિ કંઈપણ કરી શકે છે. નશામાં તેને ભાન જ નથી રહેતું કે તે જે કંઈ કરી રહ્યો છે તેનાથી તેનું મોત પણ થઈ શકે છે. બોટાદ જિલ્લાના ગઢડામાં પણ આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે, જેમાં બે યુવકો દારૂના નશામાં ઈંટના સળગતા ભઠ્ઠા પર સૂઈ ગયા હતા. સવાર સુધીમાં તો બંનેના મોત થઈ ગયા. જાણવા મળ્યા મુજબ, ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ઈંટોના ભઠ્ઠા પર એ સમયે ચકચાર મચી ગઈ કે જ્યારે બે યુવાનો ભઠ્ઠા પર મૃત હાલતમાં મળી આવ્યા. ઈંટના સળગતા ભઠ્ઠા પરથી ધૂમાડાના ગોટા નીકળતા રહેતા હોય છે અને તેની ગરમી દૂરથી અનુભવાય છે. ત્યારે આ બે યુવાનોની લાશ જોઈને લોકોને એ વાતનું આશ્ચર્ય થયું કે, આ બે જણા કઈ રીતે ઈંટના સળગતા ભઠ્ઠાની ઉપર પહોંચી ગયા અને તેમને ગરમી કેમ ન લાગી? ભઠ્ઠા પર ચડતી વખતે તેમનું શરીર દાઝ્યું નહીં હોય?

આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે આવીને આ સવાલોનો જવાબ મેળવવા તપાસ શરૂ કરી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ બંને યુવકોએ રાત્રે નશો કર્યો હતો અને તેઓ ઈંટના સળગતા ભઠ્ઠા પર ઊંઘી ગયા હતા. ઈંટના ભઠ્ઠા પર ઊંઘી જવાથી તેમનું મોત થઈ ગયું હતું. પોલીસને ભઠ્ઠા પાસેથી દેશી દારૂની કોથળીઓ પણ મળી આવી છે.

પોલીસે આ બંને યુવકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે સાથે જ બંને યુવકોની ઓળખ કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.

(9:04 pm IST)