Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

વાંકાનેરમાં કાલે ડોકટર રત્ન હાકેમચંદ સંઘવીની મુર્તિની અનાવરણ વિધિ

જીંદગીમાં કદી સૂટ- બુટ- ટાઇ પહેરી નહી... વિઝીટમાં પાંજરાપોળની ઘોડાગાડી લઇ જતા'તાઃ દર્દીઓના સુખનો વિચાર કરી નિદાન-સારવાર કરી સ્વસ્થતા બક્ષતા

વાંકાનેર તા.૧૯ : અહીના વતની પહેલા એમ.બી.બી.એસ ડોકટર હાકેમચંદ પીતાંબર સંઘવી, બંધુહિતવર્ધક સમાજ સંચાલીત મહાત્મા ગાંધી સાર્વજનિક દવાશાળામાં લગભગ ૪૦ વર્ષ સેવા આપનાર અને તબીબી ક્ષેત્રના મહામાનવ ડો.હાકેમચંદ સંઘવીની મુર્તિનું અનાવરણ આવતીકાલે શનિવારે બપોરે ૧ર-૩૦ કલાકે થશે.

પોતાના જીવનમાં અત્યંત સાદાઇ અને સરળતાના પ્રતિક ડો.હાકેમચંદ સંઘવીએ આખી જીંદગી શર્ટ, કોટ, કાળી ટોપી અને ધોતિયાનો પોષાક જ પહેર્યો. કદીય સુટ-બુટ-ટાઇ પહેરી નહી. દર્દીને ઘેર વિઝીટ માટે જતા ત્યારે પાંજરાપોળની એક ઘોડાગાડીનો જ ઉપયોગ કરતા ઘરની વિઝીટ ફ્રી રૂ.૧ હતી. તેમાંથી ચાર આના બંધુહિતવર્ધક સમાજ ટ્રસ્ટને ચાર આના પાંજરાપોળને મળે અને આઠ આના એટલે કે પ૦ પૈસા પોતે રાખે એવી વ્યવસ્થા કાયમ નિભાવી હતી. શરીર અને ઇન્દ્રીયના સુખનો વિચાર કરતા એલોપેથીક દવા-ઇન્જેકશન-લેબોરેટરી ટેસ્ટસનો ઉપયોગ કરવાને બદલે હંમેશા દર્દીનું કલીનીકલ ડાયગ્નોસીસ કરી મન અને હૃદયથી દર્દીનું નિદાન-સારવાર કરી સ્વસ્થતા બક્ષતા હતા.

અત્રે નોંધનીય છે કે, વાંકાનેરમાં ડો.હાકેમચંદ સંઘવી સાથે તુરત જ ડો.પ્રભુલાલ સોલંકી પણ ભેખધારી ડોકટર હતા. જયંતિભાઇ કમ્પાઉન્ડર, મગનભાઇ ત્રિવેદી જેવી સેવાભાવી હોસ્પિટલની ટીમ સાથે કામ કરી ડો.સંઘવીએ તબીબી ક્ષેત્રે કામ કરતા સૌ માટે સેવાભાવથી દર્દીને અને તેના કુટુંબીઓને હુંફ અને સારવાર આપી લાંબો સમય અણમોલ સેવા બજાવી છે.

(11:43 am IST)