Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

લૈયારામાં પીજીવીસીએલની ચેકીંગ ટુકડીઓના અણછાજતા વર્તન અંગે પ્રાંત અધિકારીને રાવ

રાજકોટ તા. ૧૮ : ધ્રોલ પંથકના લૈયારા ગામમાં પીજીવીસીએલની ચેકીંગ ટુકડીઓ દ્વારા ગમે તેમના ઘરમાં ઘુસી વીજ ચોરીની તપાસના બહાને કરાતા અણછાજતા વર્તન અંગે ગામ લોકોએ ધ્રોલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

આ આવેદનપત્રમાં જણાવેલ છે કે પીજીવીસીએલના કર્મચારીઓ ગામ સરપંચ કે પંચને વિશ્વાસમાં લીધા વગર ચેકીંગ માટે નીકળી પડે છે. પુરૂષોની ઘરમાં હાજરી ન હોય તેવા ઘરમાં પહોંચી જઇ મહીલાઓ જાણે મોટા ગુન્હેગાર હોય તેવો રોફ કરી ગેરવર્તાવ કરે છે.

આ ચેકીંગ સમયે પણ ખાસ કરીને  દેવી પુજક, કોળી, ભીલ, મુસ્લીમો એમ ચોકકસ જ્ઞાતિઓને ધ્યાનમાં રાખીને રોફ જમાવવા પ્રયાસ થાય છે. ચુંટણી સમયે હારનો ખાર રાખી કોઇ વગદાર લોકોના ઇશારે આ બધુ થતુ હોવાનો આક્રોશ ગેરવર્તાવનો ભોગ બનેલાઓ ઠાલવી રહ્યા છે.

૭૦ થી વધુ ગામ લોકોની સહીઓ અને અંગુઠાના નિશાનો સાથેનું આવેદનપત્ર પ્રાંત અધિકારી પાઠવવામાં આવ્યુ છે અને તેની નકલો જિલ્લા કલેકટર જામનગર, ધારાસભ્ય કાલાવડ, ઉર્જા મંત્રી, માનવ અધિકાર પંચને પણ પહોંચાડવામાં આવી હોવાનું ગેરવર્તાવનો ભોગ બનેલાઓએ જણાવ્યુ હતુ.

(11:19 am IST)