Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

જામનગર ડિલિવરી સેન્ટર સાથે વિશ્વના સૌ પ્રથમ બ્રાસ વાયદાને મંજુરી

એમસીએકસ દ્વારા ટૂંક સમયમાં બ્રાસનો વાયદો શરૂ કરવામાં આવશે

મુંબઈ, તા. ૧૯ :. દેશમાં કોમોડિટી વાયદાના વોલ્યુમને વધારવા માટે એકસચેન્જ દ્વારા નવા નવા વાયદાની નિયંત્રક પાસે મંજુરી માંગવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં હવે વિશ્વમાં સૌ પ્રથમ એવા બ્રાસના વાયદાને પણ સેબીએ તાજેતરમાં મંજુરી આપી છે.

બ્રાસનો વાયદો શરૂ કરવા માટે મલ્ટીકોમોડીટી એકસચેન્જ ઓફ ઈન્ડીયા (એમસીએકસ) દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી, જેને ફાઈનલ મંજુરી મળતા હવે વાયદો ટૂંક સમયમાં શરૂ થાય એવી ધારણા છે. એકસચેન્જ દ્વારા જામનગર ડિલિવરી સેન્ટરની સાથે આ વાયદો શરૂ થશે. વિશ્વમાં અત્યાર સુધી એક પણ એકસચેન્જમાં બ્રાસનો વાયદો ચાલતો નથી, જે એમસીએકસમાં શરૂ થતાની સાથે એ વિશ્વનું પહેલુ એકસચેન્જ બનશે. જામનગરમાં બ્રાસ પાર્ટસ ઉદ્યોગ મોટાપાયે વિકસેલો છે અને હવે એને હેજિંગ કરવાની મોટી તક મળશે.

કેડિયા કોમોડિટીના એનલિસ્ટ અજય કેડિયાએ જણાવ્યું હતુ કે બ્રાસના વાયદાને મંજુરીની સાથે જામનગર ઉપરાંત મુરાદાબાદના વેપાર-ઉદ્યોગને મોટો ફાયદો થશે. ભારતમાંથી બ્રાસની અનેક વસ્તુઓની વિશ્વમાં અનેક દેશોમાં નિકાસ થાય છે અને વાયદાની શરૂઆતને કારણે ઉત્પાદકોને મોટો ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે, એમસીડીઈએકસ દ્વારા આગામી દિવસોમાં ચા અને કોફીના વાયદા શરૂ કરવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે, પરંતુ હાલના તબક્કે સેબીએ બ્રાસની મંજુરી આપી છે. સંભવતઃ ચાલુ મહિનાના અંતે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં બ્રાસનો વાયદો શરૂ થાય એવી સંભાવના બજારના સૂત્રો વ્યકત કરી રહ્યા છે.(૨-૩)

(9:56 am IST)