Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ભાવનગર - ઘોઘામાં પોણા ત્રણ, માણાવદર - કાલાવડમાં દોઢ ઇંચ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે વરસતા હળવા - ભારે ઝાપટા

રાજકોટ તા. ૧૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં મિશ્ર વાતાવરણ વચ્ચે હળવો - ભારે વરસાદ વરસી જાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં ભાવનગર અને ઘોઘામાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડયો છે. જ્યારે જુનાગઢના માણાવદર અને કાલાવડમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લામાં અડધાથી પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ જળવાઇ રહ્યો છે. જિલ્લામાં અડધાથી પોણા ત્રણ ઇંચ વરસાદ છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધાયો છે. આજે શનિવારે સવારે ઉઘાડ નીકળ્યો હતો.

આજે સવારે ૬ વાગ્યે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાવનગરમાં ૬૮ મીમી, ઘોઘામાં ૬૮ મીમી, પાલીતાણામાં ૨૨ મીમી, સિહોરમાં ૧૮ મીમી, જેલરમાં ૧૫ મીમી, ગારીયાધારમાં ૧૨ મીમી, મહુવામાં ૯ મીમી, તળાજામાં ૭ મીમી વરસાદ નોંધાયો છે.

આજે શનિવારે સવારે ભાવનગર શહેરમાં ઉઘાડ નીકળ્યો હતો.

બોરતળાવ

ભાવનગરના બોરતળાવ (ગૌરીશંકર સરોવર)ની સપાટી ૩૯.૮ ફુટે પહોંચી ગઇ છે. બોરતળાવ ૪૩ ફૂટે છલકાશે તેથી હવે ત્રણ ફુટ ખાલી છે. જ્યારે ખોડીયાર તળાવની સપાટી ૧૩.૬ ફુટે પહોંચી છે.

જૂનાગઢ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ : જિલ્લાના માણાવદરમાં દોઢ ઇંચ તથા માળીયાહાટીના અને વંથલીમાં અડધો ઇંચ તેમજ જુનાગઢ, મેંદરડામાં ઝાપટા પડયા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : જામનગરના કાલાવડમાં દોઢ ઇંચ તથા લાલપુરમાં સવા ઇંચ તેમજ જામજોધપુરમાં ઝાપટા વરસ્યા હતા. જામનગરનું મહત્તમ તાપમાન ૩૨.૫, લઘુત્તમ ૨૫.૫, હવામાં ભેજ ૯૨ ટકા અને પવનની ઝડપ ૬.૭ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.

રાજકોટ

રાજકોટ : શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયું હતું અને ૧૦ વાગ્યા આસપાસ સવારે ઝાપટુ વરસ્યું હતું. બાદમાં ૧૧ વાગ્યે તડકો નીકળ્યો છે.

પડધરી

પડધરી : રાજકોટ જામનગર હાઇવે પર આવેલા પડધરી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. વરસાદ ઝાપટા રૂપે વરસી રહ્યો છે. વરસાદના કારણે રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીમાં બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો જેના લીધે ધોરાજીના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા અને જેતપુર રોડ ઉપર અનેક દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા

ધોરાજીમાં ગઈકાલે બપોરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ફરી ધોરાજી રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા અને દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો ધોરાજીના મુખ્ય ગણાતા સ્ટેશન રોડ ત્રણ દરવાજા જેતપુર રોડ પોસ્ટ ઓફિસ રોડ હોકળા કાંઠા રોડ ચકલા ચોક જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ નદી બજાર વિગેરે વિસ્તારોમાં રોડ ઉપર પાણી પાણી થઇ ગયું હતું

આ સમયે ધોરાજીના મુખ્ય ગણાતા જેતપુર રોડ ઉપર ફરી વખત પાણી ફરી વળતા વેપારીઓ ની દુકાનોમાં પાણી ઘૂસી ગયું હતું ફરી વખત વેપારીઓ પરેશાન થઇ ગયા હતા અને દુકાન માંથી પાણી કાઢવા માટે મહેનત કરતા હતા

ધોરાજીના ખેડૂતો તેમજ આમ જનતા એ મેઘરાજાને પ્રાર્થના કરી હતી કે હવે તો ખમૈયા કરો જો આજ રીતે વરસાદ ચાલુ રહેશે તો તમામ પાક નિષ્ફળ થઈ જશે જે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી

આ સાથે ધોરાજીના પાટણવાવ મોટીમારડ સુપેડી ભૂખી ભોળા તોરણીયા નાની પરબડી વેગડી વિગેરે વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. સીઝનનો કુલ વરસાદ ૩૮ ઇંચ નોંધાઈ ચૂકયો છે.

(12:02 pm IST)