Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

માળીયામિંયાણા હાઇવે પર ટ્રકે ૧૦થી વધુ બકરાને કચડી નાખતા અરેરાટી

'જાકો રાખે સાંઇયા, માર શકે ના કોઇ' બકરીના પેટમાંથી જીવતા બચ્ચા નીકળ્યા, બકરીનું મોતઃ માણાબા વાધરવા વચ્ચે બનાવ : માલધારીને ઇજા પહોંચાડી ચાલક ફરાર

(રજાક બુખારી) માળીયા મિંયાણા,તા. ૧૮: માળીયામિંયાણા હળવદ નેશનલ હાઈવે પર માણાબા અને વાધરવા ગામની વચ્ચે બકરાના ઝુંડ પર કાળમુખા ટ્રકે ગોજારો અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો જેમા ૧૦થી વધુ બકરાના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી તેમજ માલધારીને ગંભીર ઈજા પહોચાડી ચાલક ફરાર થઈ ગયો હતો પરંતુ આગળ જતા બેકાબુ બનેલા ટ્રક ચાલકે ફરી સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયો છે જોકે અહીંથી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ  સવારે કચ્છ તરફથી પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા ૧૫ જેટલા બકરાને કચડી નાખતા ઘટનાસ્થળે જ ૧૦થી વધુના મોત નિપજયા હતા તેમજ માલધારીને ગંભીર ઈજા પહોચી હતી ઘટનાની જાણ થતા ૧૦૮ ટીમ દોડી જઈને ઈજાગ્રસ્ત માલધારીને હોસ્પિટલ ખસેડાયો હતો કચ્છથી પોતાના વતન ચોટીલાના ડોડીયા ગામે માલઢોર સાથે જતા હતા.

આ ગંભીર અકસ્માતથી માલધારી પરીવાર સ્તબ્ધ બની ગયો હતો અને ૧૦થી વધુ બકરાના મોતથી હાઈવે રકતરંજીત બન્યો હતો મુંગા અબોલ જીવ પર કાળમુખા ટ્રકના તોતીંગ વ્હીલ ફરી વળતા જીવદયાપ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો આમ આ ગંભીર અકસ્માતમાં જાકો રાખે સાઈયા માર સકે ના કોઈ બકરી પર તોતીંગ વ્હીલ ફરી વળતા બકરીનુ પેટ ફાટી જતા ગર્ભાશયમાંથી નવજાત જીવતા બચ્ચા બહાર આવી ગયા હતા જેને પશુ દવાખાનાની ગાડી સાથે પશુ ડોકટરની ટીમે બચ્ચાને શ્વાસો શ્વાસની ક્રીયા આપી હતી તો અન્ય ઈજાગ્રસ્ત બકરાઓને બચાવવા સારવાર આપી હતી જેમા પશુ ડોકટર તાલીબ અને પાયલોટ સાજીદે ભારે જહેમત ઉઠાવી હતી ઘટનાની પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

(11:46 am IST)