Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

દ્વારકાધીશ ભગવાનના સાનિધ્યમાં કાલે જન્માષ્ટમી ઉત્સવ

જીલ્લા પોલીસવડાની આગેવાનીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તઃ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૧૮ :.. કોરોનાના કાળ ક્રમ બાદ પ્રથમ વખત દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ ધામધૂમથી રંગે ચંગે ઉજવવા દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ અને પુજારી પરિવાર ત્થા દ્વારકા નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા આજરોજ છઠના દિનથી દરેક વ્યવસ્થાઓ અને સેવા પ્રકારની કામગીરી શરૃ કરી છે.

આજરોજ છઠના દિન શરૃ થયેલ જન્માષ્ટમી ઉત્સવમાં નોમના દિને ભગવાન ના પારણા દર્શન સુધીની જન્મોત્સવના વિવિધ કાર્યક્રમો દ્વારકા ખાતે યોજાવાના છે. જેના માટે હોટેલ, રીસોર્ટ સહિતના નિવાસી ગૃહો ત્થા દ્વારકા આસપાસની દર્શનની સરકીટમાં આવતા બેટ દ્વારકા, નાગેશ્વર, ગોપી તળાવ, રૃક્ષ્મણી માતાજી મંદિર અને શિવરાજપૂર બીચ સહિતના ધાર્મિક અને પ્રવાસન સ્થળો ઉપર પણ પ્રવાસી યાત્રીકોને ધમધમાટ રહેશે.

વહીવટી તંત્ર દ્વારા જીલ્લા કલેકટર પંડયા ના માર્ગદર્શન હેઠળ મંદિર ત્થા શહેરના અવર જવરના માર્ગોને એક માર્ગીય જાહેર કરવામાં આવ્યા છે. અને શહેરના મુખ્ય માર્ગો ઉપર દરેક પ્રકારના વાહનોને ટ્રાફીકની સમસ્યા હળવી કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે. જન્માષ્ટમીના દર્શન માટે એસ. ટી. વિભાગ દ્વારા ૧૪૦ બસો ને સૌરાષ્ટ્ર અને ગુજરાતના માર્ગો ઉપર દોડાવશે તો દ્વારકામાં દરેક ખાસ પ્રકારના સ્થળો ઉપર માહિતી કેન્દ્ર અને તબીબી કેન્દ્રોની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

દ્વારકાનો શિવરાજપુર બીચ ઉપર સ્નાન સિવાય અવર-જવર કરી શકાશે જયારે ગોમતીધાટના પંચકુળ બીચ, ભુડકેશ્વર બીચ ઉપર અકસ્માત નિવારવા વ્યવસ્થા કરવામાં આવી છે.

(3:29 pm IST)