Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મોરબી જિલ્લામાં મેઘમહેર યથાવત, આખો દિવસ હળવાથી ભારે ઝાપટા પડયા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૮: મેઘરાજા સમગ્ર સૌરાષ્‍ટ્રમાં અવિરત હેત વરસાવી રહ્યા છે ત્‍યારે મોરબીમાં બુધવારે મેઘ સવારી આવી પહોંચી હતી અને આખો દિવસ હળવાથી ભારે ઝાપટા પડ્‍યા હતા. જિલ્લામાં બુધવારે રાત્રે સાંજે ૬થી ગુરુવારે સવારે ૬ સુધીમાં  મોરબી શહેરમાં ૧૮ મીમી વરસાદ વરસી ગયો હતો તો ટંકારામાં પણ ૩૩ મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય વાંકાનેરમાં ૭ અને હળવદમાં ૨૩ મીમી વરસાદ નોંધાયો હતો. તેમાંય સૌથી વધુ વરસાદ તો માળીયામાં ૪૨ મીમી વરસાદ વરસ્‍યો હતો.
મોરબીમાં આખી રાત પડેલા વરસાદને પગલે શહેરના માર્ગો પાણી પાણી થઈ ગયા હતા. નીચાણ વાળા વિસ્‍તારમાં ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા. ગ્રામ્‍ય વિસ્‍તારમાં તો અવારનવાર હળવાથી લઈને ભારે ઝાપટા વરસી રહ્યા છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોરબી અને ટંકારામાં સારો વરસાદ વરસ્‍યો હતો. તેમજ હજુ આગામી દિવસોમાં સારો વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેથી નાગરિકોને તકેદારી રાખવા પણ જણાવ્‍યું છે.
મોરબી જીલ્લામાં સારા વરસાદને પગલે અનેક સમસ્‍યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે ટંકારા પંથકમાં સારો વરસાદ થતા ફૂલકી નદીમાં નવા નીર આવ્‍યા છે જેથી કચ્‍છ જામનગર હાઈવે બંધ થયો હતો કચ્‍છ જામનગર હાઈવે પર ઓવરબ્રિજ કામ ચાલી રહ્યું છે જેથી ડાયવર્ઝન કાઢવામાં આવ્‍યું છે જેના પર પાણી ફરી વળતા હાઈવે બંધ થયો હતો જેથી વાહનચાલકો અટવાયા હતા.
મોરબીના કોયલી ગામ સહિતના અનેક ગ્રામ્‍ય પંથકમાં પણ સારો વરસાદ વરસ્‍યો હતો જેથી વોકળા બે કાંઠે વહેવા લાગ્‍યા હતા જેથી કોયલીથી પીઠડ જતા રસ્‍તા પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો તો સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે

 

(1:08 pm IST)