Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જસદણની શ્રીનાથજી હવેલીમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થશે

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ,  તા.૧૮: સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજી હવેલીમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

 જસદણ હવેલીના પ્રમુખ કિરીટભાઈ સી. પટેલના જણાવ્યા મુજબ જન્માષ્ટમી નિમિત્તે હવેલીના બિલ્ડીંગને અદ્યતન લાઈટનું ડેકોરેશન કરવામાં આવશે. આ ઉપરાંત હવેલીની અંદર રંગબેરંગી બલૂન ફુગ્ગા, ફુલ વગેરેનું ખાસ ડેકોરેશન કરવામાં આવશે. હવેલીની અંદર જન્માષ્ટમીના પ્રસંગને અનુરૃપ જન્માષ્ટમીના દીવસે એક સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો છે. જ્યાં લોકો બાળ કનૈયા સાથે સેલ્ફી ફોટો લઈ શકશે.  મુખ્યાજી ઘનશ્યામભાઈ જોશીના જણાવ્યા મુજબ તારીખ ૧૯-૮ ને શુક્રવારે જન્માષ્ટમીને દિવસે સવારે સાડા પાંચ કલાકે પંચામૃતના દર્શન થશે. આ ઉપરાંત  ૮ કલાકે શ્રૃંગારના દર્શન થશે. સવારે ૧૦ કલાકે રાજભોગ દર્શન બાદ રાત્રે  ૮ કલાકે  ઉત્થાપનના દર્શન,  ૯  કલાકે સંધ્યા ભોગ દર્શન તેમજ ૧૧ કલાકે જાગરણના દર્શન થશે. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હવેલી સંપ્રદાયની પ્રણાલિકા મુજબ તારીખ ૨૦-૮ ને શનિવારે સવારે આઠ કલાકે નંદ મહોત્સવ તેમજ કીર્તન યોજાશે. જસદણની શ્રીનાથજી હવેલીનું લાખો રૃપિયાના ખર્ચે તાજેતરમાં  રીનોવેશન કરાવ્યા બાદ હવેલીનો લુક ફાઇવ સ્ટાર હોટલ કરતા વધે તેવા રંગરૃપ સાથે સજાવટ કરવામાં આવી છે.  મોટી સંખ્યામાં વૈષ્ણવોનો પ્રવાહ દર્શનમાં વધતો જાય છે. તાજેતરમાં ઠાકોરજીને ચાંદીના મોર, પોપટ, હાથી, પંચામૃત થાળ, ચાંદીનો અરીસો, છડી, બંસરી, ઝારીજી, બંટાજી સહિતના અંદાજે ચાર કિલો ચાંદીના વિવિધ આભૂષણો પણ જુદા જુદા દાતાઓના સહયોગથી ઠાકોરજીને ધરાવવામાં આવ્યા છે. જન્માષ્ટમી પ્રસંગે વિવિધ દર્શનનો લાભ લેવા હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલે અનુરોધ કર્યો છે.(

(1:04 pm IST)