Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

મોરબીમાં કાર રીપેરીંગ માટે વ્યાજે લીધેલ રૃપિયાની ઉઘરાણીમાં અપહરણ કરી મારમાર્યો

૧ લાખ વ્યાજના ૧૦ લાખ ચુકવ્યા છતા વધુ ૧૭ લાખની ઉઘરાણી !! : સુનીલ શેરસીયાની ફરીયાદ ઉપરથી માલદે આહિર, લાલ બોરીચા, પ્રકાશભૂત અને પોપટ વિરૃધ્ધ ગુન્હો નોંધાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૮ : મોરબીઃ ગાડી રીપેરીંગ માટે લીધેલ ૧ લાખ રૃપિયાની પઠાણી ઉધરાણી, અપહરણ કરી માર માર્યો 

મોરબીમાં વ્યાજખોરો લૂંટારુ બન્યા હોય અને ખુદ પોલીસને પડકાર ફેંકતા હોય તેમ વ્યાજની મોટી રકમ ચૂકવ્યા બાદ પણ યુવકનું અપહરણ કરી ઢોરમાર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે. આ  મામલે પીડિત યુવકે મોરબી તાલુકા પોલીસમાં ૪ વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. 

મળતી વિગતો મુજબં ફરિયાદી રવાપર ગામે બોની પાર્ક સોસાયટી રીધ્ધિ સિધ્ધિ એપાર્મેન્ટની સામે રહેતા સુનિલભાઈ ધનજીભાઇ શેરસીયાએ આરોપી માલદે આહિર,લાલા બોરીચા, પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુત અને પોપટભાઇ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, આરોપી માલદે પાસેથી સુનિલભાઈએ એક લાખ રૃપિયા ૩૦ ટકા વ્યાજે લીધેલ હોય જે સુનિલભાઈએ વ્યાજ સહિત રૃ.૧૦,૦૦,૦૦૦/- ચુકવી દીધેલ હોય તેમ છતા માલદે આહિર પાસે રૃ.૧૭,૦૦,૦૦૦/- ની પઠાણી ઉધરાણી કરતા હતા. મોરબી તાલુકાના બગથળા ગામની સીમમા પોતાના ખેતરમાં સુનિલભાઈ ખેતી કામ કરતા હતા. ત્યારે માલદે આહિર અને લાલા બોરીચા કાળા કલરની વર્ના કારમાં આવીને તેમનું અપહરણ કરી ઉમિયા સર્કલ લઇ જઇ ગયા હતા. જ્યાં માલદે આહીરે સુનિલભાઈને બન્ને હાથમા તથા છાતીના ભાગે લાકડાના ધોકા વડે મુંઢ ઇજા કરી હતી.  પ્રકાશભાઇએ લોખંડના પાઇપથી ડાબા પગમા સાથળના ભાગે મુંઢ ઇજા કરી હતી. જે બાદ સુનિલભાઈનના ભાઇ અમીતભાઇને ફોન કરી બોલાવી તેની પાસે ૧૭,૦૦,૦૦૦/-(સતર લાખ) રૃપિયાની ઉધરાણી કરી હતી અને ગાળો ભાંડી આરોપીઓએ સુનિલભાઈનને ગાડીમા બેસાડી કહ્યું હતું કે,ઘરેથી રૃપિયા લઇ આવ નહિતર જાનથી મારી નાખશુઁ તેવી ધમકી આપી સુનિલભાઈને તેમના ઘર પાસે ઉતારીને નાસી ગયા હતા. તો આ એક લાખ રૃપિયા ગાડી રીપેરીંગ માટે જરૃર હોય અને તે પ્રકાશભાઈને ફરિયાદી સુનીલે વાત કરતા આરોપી પ્રકાશભાઈ એ માલદેભાઈ પાસેથી લેવડાવેલ હોવાનો ફરિયાદમાં જણાવ્યું છે 

આ મુદ્દે મોરબી તાલુકા પોલીસે આઇ.પી.સી.કલમ ૩૨૩,૩૬૪(એ), ૩૮૪, ૫૦૪,  ૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ -૨૦૧૧ ની કલમ ૫, ૩૩(૩), ૪૦, ૪૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫  મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:00 pm IST)