Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

વાંકાનેરમાં જન્‍માષ્‍ટમી ઉજવણીનો માહોલ

મુસ્‍લિમ સમાજ શોભાયાત્રાનું સ્‍વાગત કરશેઃ પોલીસ બંદોબસ્‍ત ગોઠવાશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૧૮ : વાંકાનેરમાં જન્‍માષ્‍ટમી પર્વની ઉજવણીનો માહોલ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. શહેરભરમાં કેશરી કમાનો સાથે ઠેર ઠેર શુભેચ્‍છાના બેનરો લાગેલા જોવા મળી રહ્યા છે.

કાલે સવારે ૮ વાગ્‍યે ફળેશ્વર (જડેશ્વર રોડ) મંદિર ખાતેથી એક શોભાયાત્રાનું પ્રસ્‍થાન થશે. વાંકાનેરના મહારાજા કેશરીદેવસિંહ ઝાલા, ફળેશ્વર રઘુનાથજી મંદિર, ગાયત્રી મંદિર તથા નાગાબાવાજી મંદિરના મહંતોની આગેવાનીમાં સાધુ સંતો તથા વાંકાનેરના પ્રતિષ્‍ઠિત નાગરીકો આ શોભાયાત્રા જડેશ્વર રોડથી સ્‍વ. અમરસિંહજી બાપુ (સ્‍ટેચ્‍યુ)ને નમન કરી, દિવાનપરા, ભરવાડપરા, કુંભારપરાથી સ્‍ટેચ્‍યુ થઇ પુલદરવાજા, પ્રતાપચોક, રામચોક થી દરબારગઢ, ચાવડી ચોકથી ગ્રીન ચોકમાં આવશે.અહીં શોભાયાત્રાનું મુસ્‍લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કોમી એકતાના ભાગ રૂપે સન્‍માન કરાશે. બાદમાં આ શોભાયાત્રા સિટી સ્‍ટેશન રોડ થી પટેલ ટ્રાન્‍સપોર્ટથી જીનપરા મામાસાહેબના મંદિરેથી જીનપરા ચોકમાં ધર્મસભામાં ફેરવાઇ જશે.

જ્‍યારે આ વેળા વધુ એક શોભાયાત્રાનું પણ આયોજન કરાયેલ છે. આ બીજી શોભાયાત્રાના પ્રસ્‍થાનના સમય ૧૨:૩૦ વાગ્‍યાનો છે. જે હનુમાનજી દિવાનપરા મંદિરેથી શરૂ થશે.  આવતી કાલની જન્‍માષ્‍ટમીની શોભાયાત્રામાં મોરબી જીલ્લા પોલીસ, એએસપી તથા મોરબી જીલ્લા પોલીસ તથા વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ પુરતો બંદોબસ્‍ત જાળવશે.

(11:57 am IST)