Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ભાવનગરની સરકારી સર ટી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં ઘેરાઇ : હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારીનો વીડિયો વાયરલ થતાં હોસ્પિટલ પ્રશાસન સામે સવાલો ઉઠયા

- બે કલાક સુધી રાહ જોયા પણ પટ્ટાવાળો ન આવ્‍યો

ભાવનગર : વિવાદના વડ સમાન ભાવનગરની સરકારી સર ટી હોસ્પિટલ વધુ એક વખત વિવાદમાં ઘેરાઇ છે.

હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારીનો વીડિયો વાયરલ થતાં હોસ્પિટલ પ્રશાસન સામે સવાલો ઉઠયા છે. વાયરલ વિડીયોમાં જાણાતા મુજબ મૃતદેહને પીએમ રૂમ સુધી પહોંચાડવા પ્યુને બે કલાક રાહ જોવડાવ્યા બાદ પ્યુન ન આવતા મજબૂરીમાં પરિવારજનો જાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ સુધી લઈ ગયા હતા.

ભાવનગરની સરકારી સર.ટી હોસ્પિટલના વાયરલ વીડિયોમાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ રૂમ સુધી પહોંચાડવા માટે મૃતકના પરિવારજનો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. આશરે બે કલાક સુધી રાહ જોયા બાદ પણ પ્યુન આવ્યો ન હતો. સરકારી હોસ્પિટલ તંત્રએ પ્યૂન ન હોવાનું કહી બે કલાક સુધી મૃતદેહને રઝળતો મૂક્યો હતો. અંતે કંટાળી ગયેલા પરિવારજનોએ જાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચાડ્યો હતો. પાંચથી છ યુવાનો સ્ટ્રેચર ખેંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ રૂમમાં લઈ ગયા હતા. ત્યારે દર મહિને હોસ્પિટલના મેજમેન્ટ માટે લાખો રૂપિયા ચૂકાવાતા હોવા છતા સરકારી હોસ્પિટલમાં અપૂરતી સુવિધાના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે જવાબદાર તંત્ર પ્રશ્ન ઉકેલવામાં ગંભીરતા દાખવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.

આ આગઉ ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલ ફાયર સેફટી અને કોરોના કાળમાં પણ અનેક વખત વિવાદમાં આવી હતી. કોરોના કાળ દરમિયાન કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા દર્દીઓની જમીન પર સુવડાવી સારવાર કરાતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. હોસ્પિટલની ઓપીડીમાં કોવિડના શંકાસ્પદ દર્દીઓેને જમીન પર જ સુવડાવી ઓક્સિજન અપાતો હોવાનો વીડિયો દર્દીઓના સગાએ જ વાઈરલ કર્યો હતો. ત્યારબાદ કલેકટર અને કમિશનર હોસ્પિટલ દોડી ગયા હતા. જે મામલે હોસ્પિટલ તંત્રને લૂલો બચાવ કરી જવાબદારીમાંથી છટકી જવા પ્રયાસો કર્યા હતા ત્યાં ફરી વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

(12:09 am IST)