Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

વેપાર-ધંધામાં કોઇપણ પ્રકારની સમસ્યા ન ઉદભવે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા સરકાર કટિબદ્ધ - હર્ષ સંઘવી

ચીટીંગ સહિતના કેસોને ઉકેલવા "સીટ"ની રચના કરી ખાસ ડ્રાઇવ કરવા ગૃહરાજ્યમંત્રીનું પોલીસને સુચન, સિંગલ વિન્ડો ઈ-પોલીસ સ્ટેશન સ્થાપવા કચ્છ ચેમ્બરની રજુઆત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ: તમામ પ્રકારના વેપાર-ધંધા કરવામાં વેપારીઓ તથા ઉદ્યોગકારોને કોઇપણ પ્રકારની અસુવિધા ન થાય તેમજ ઘંધાને અનુલક્ષીને ઉભા થતાં પ્રશ્નોનું નિરાકરણ ત્વરીત આવે તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે તેવું ભુજ ખાતે કચ્છની સામાજિક સંસ્થા, ઉદ્યોગકારો તથા વેપારીઓ સાથે સંવાદ કરતા ગુજરાત રાજ્યના ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું. આ તકે તેમણે વેપારીઓને મુંઝાયા વગર કોઇપણ પ્રશ્ન હોય અડધી રાત્રે ફોન કરવાનું જણાવીને કચ્છ જિલ્લાના વેપારીમિત્રોના નાણાકીય લેવડ-દેવડને લગતા અન્ય રાજય સાથેના ચીંટીગના કેસ કે અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ "સીટ" (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરીને ડુબેલા નાણા પાછા અપાવવાનો પ્રયાસ કરવા પોલીસ વિભાગને સુચન કર્યું હતું.

ભુજ કલેકટર કચેરીના સભાખંડમાં વિવિધ સામાજિક સંસ્થાઓ, વેપારી એસોસિએશન તથા 

 ઉદ્યોગકારો સાથે આત્મીય સંવાદ સાધતા ગુજરાત રાજયના ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીએ સામાજિક વિષય હોય કે વેપારધંધાને લગતા કોઇપણ પ્રશ્નોને મુકત મને રજુઆત કરવા વેપારીઓને અનુરોધ કર્યો હતો. તેમણે વેપારીઓને કચ્છમાં કાયદા- વ્યવસ્થાની સુચારૂતા અંગે પણ પૃચ્છા કરી હતી.  કોઇપણ સમસ્યા હોય વગર હિચકિચાટે અડધી રાત્રે પણ ફોન કરવા વેપારીઓને જણાવ્યું હતું.  ધંધાર્થીઓને કોઇપણ પ્રકારનો સપોર્ટ જોઇએ તે આપવા સરકાર તત્પર હોવાનું ઉમેરીને તેમણે પોલીસવડાને કચ્છના એવા વેપારીઓ કે જે અન્ય રાજયો સાથે બિઝનેસ કરે છે અને તેઓના નાણા એક યા બીજા કારણોસર ફસાઇ ગયા છે કે ચીટીંગનો ભોગ બન્યા છે તેવા કેસોના ઉકેલ માટે ખાસ ડ્રાઇવ કરવા અને તે અંતર્ગત "સીટ" ની રચના કરીને આ કેસોને ત્વરાએ ઉકેલવા સુચન કર્યું હતું. આ માટે જિલ્લાના વિવિધ વેપારી એસોસીયેશન સાથે બેઠક કરીને આવા કેસોને ઓળખી કાઢવા જણાવ્યું હતું. તેમણ કહ્યું હતું કે, આ પ્રકારનો પ્રયાસ રાજય સરકાર દ્વારા અન્ય જિલ્લાઓમાં આદરાયો છે જેના કારણે વેપારીઓના લાંબા સમયથી ડુબેલા નાણા પરત મળવાના અનેક સફળ કેસ નોંધાયા છે. વેપારીઓને સમસ્યા હલ કરવા ધક્કા ન ખાવા પડે તથા યોગ્ય સિસ્ટમ બને તથા તેના થકી વેપારીઓનો આત્મવિશ્વાસ વધે તેવું ગુજરાત સરકારનું વલણ છે. તે દિશામાં આવા અનુકરણીય પ્રયાસો કરાઇ રહ્યા છે. 

આ તકે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ રાજેશભાઇ ભટ્ટ દ્વારા ઉદ્યોગોને નડતા વિવિધ પ્રકારના કાયદાકીય તથા અન્ય પ્રશ્નોના નિરાકરણ માટે સિંગલ વિન્ડો ઇ-પોલીસ સ્ટેશન શરૂ કરવા માંગણી કરાઇ હતી. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા ગૃહરાજ્યમંત્રીશ્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે કાર્યક્રમમાં વિવિધ સમાજના અગ્રણીઓ સર્વ શ્રી કેશુભાઇ પટેલ, વિરેન્દ્રસિંહ જાડેજા, પારૂલબેન કારા, પંકજભાઇ મહેતા, અનિરૂધ્ધભાઇ દવે, શીતલભાઇ શાહ, વલમજીભાઇ હુંબલ, પ્રબોધ મુનવર, પ્રવિણભાઇ પીંડોળીયા, નરેશભાઇ રાઠી, રાહુલભાઇ ગોર, તાપશભાઇ શાહ, વિનુદાન ગઢવી, સાત્વિકદાન ગઢવી, કમલદાન ગઢવી, જયેશભાઇ ઠક્કર તથા અધિકારીશ્રીમાં કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., રેન્જ આઇ.જી.શ્રી જે.આર. મોથાલીયા , નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, પશ્ચિમ કચ્છ એસ.પીશ્રી સૌરભસિંઘ, પુર્વ કચ્છ એસ.પીશ્રી મહેન્દ્ર બગડીયા સહીતના સર્વ અધિકારીઓ હાજર રહ્યા હતા.

(7:05 pm IST)