Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જામનગરમાં મીલટ્રીની ભરતી રદ કરવા મુદ્દે હોબાળોઃ‘અગિ્નપથ' સામે ભારે આક્રોશ

અસંખ્‍ય ઉમેદવારોની ભરતી રદ કરવામાં આવતા મીલટ્રી સ્‍ટેશન બહાર ઉમેદવારો ઉમટી પડયાઃ અનેકની અટકાયત કરાતા આક્રોશ : ભારેલા અગ્નિ જેવી સ્‍થિતિ


જામનગરના મિલ્‍ટ્રી સ્‍ટેશનબહર આર્મીના ઉમેદવારોની ભરતી રદ કરવા મુદ્દે હોબાળો મચ્‍યો છે. મોટી સંખ્‍યામાં ઉમેદવારો ઉમટી પડતા ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્‍થળે દોડી ગયા છે. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૧૮: જામનગરમાં મીલટ્રી સ્‍ટેશન બહાર ફીજીકલ ટેસ્‍ટ પાસ કરનાર આર્મીના અસંખ્‍ય ઉમેદવારોની ભરતી રદ કરવા મુદ્દે ઉમેદવારોએ હોબાળો મચાવતા દોડધામ મચી ગઇ છે. અનેક ઉમેદવારોની અટકાયત થતા અન્‍ય ઉમેદવારોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
પ્રાપ્ત માહીતી મુજબ  જામનગરમાં મીલ્‍ટ્રી સ્‍ટેશન બહાર ફીઝીક્‍લ ટેસ્‍ટ પાસ કરનાર આર્મીના ૨૫૦૦ જેટલા ઉમેદવારોની ભરતી રદ કરવાના મુદ્દે હોબાળો મચાવવામાં આવ્‍યો છે.
ભરતી રદ કરવાની જાણ થતા જ મીલટ્રી ઓફીસ ગેઇટ બહાર મોટી સંખ્‍યામાં ઉમેદવારો આવી પહોંચ્‍યા હતા. જેને ઓફીસની બહાર અટકાવવામાં આવ્‍યા હતા. તેમજ પોલીસ દ્વારા અટકાયત પણ અમુક ઉમેદવારોની કરવામાં આવી હતી. જેની સામે અન્‍ય ઉમેદવારોએ ભારે આક્રોશ ઠાલવ્‍યો હતો.
ઉમેદવારોએ આક્રોશ ઠાલવતા જણાવ્‍યું હતું કે, સરકાર દ્વારા અગિ્નપથ યોજના ચાલુ કરીને અમારી જેવા અસંખ્‍ય ઉમેદવારોને અન્‍યાય કર્યો છે. ૪ વર્ષ સુધી અમારી મહેનત ઉપર પાણી ફરી વળશે.
   આ હોબાળાને લઈને તાત્‍કાલિક મોટી સંખ્‍યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્‍યો છે. અને એસ.પી. પ્રેમસુખ ડેલુ, ડી.વાય.એસ.પી.સહિતના ઉચ્‍ચ અધિકારીઓ પણ દોડી આવ્‍યા છે.
ઉમેદવારોને સમજાવીને ન્‍યાય આપવાની ઉચ્‍ચ અધિકારીઓએ ખાત્રી આપી છે. સામે પક્ષે ઉમેદવારોએ પણ અટકાયત કરાયેલા ઉમેદવારોને મુકત કરવા પણ માંગણી કરી છે. હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્‍થિતિ વચ્‍ચે ઉમેદવારો ન્‍યાય માટે સતત માંગ કરી રહયા છે.

 

(11:00 am IST)