Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

સુરેન્દ્રનગર જિલ્લામાં ૬ થી ૧૮ વર્ષની વયજૂથના શિક્ષણથી વંચિત રહી ગયેલ બાળકોનો સર્વે હાથ ધરાયો

સર્વેમાં સરકારના તમામ વિભાગો, એન.જી.ઓ અને જાહેર જનતાને સહભાગી થવા અનુરોધ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સમગ્ર શિક્ષા અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ૬ થી ૧૮ વર્ષની વયજૂથના શિક્ષણથી વંચિત રહી ગયેલ, ધો.૧ થી ૧૨ સુધીનુ કદી શિક્ષણ મેળવેલ નથી તેવા અને ધો.૧૨ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા વગર અધવચ્ચેથી શાળા છોડી દીધેલ છે તેવા દિવ્યાંગ સહિતના તમામ બાળકોનો સર્વે જિલ્લાની તમામ શાળા મારફત હાથ ધરવામાં આવ્યો છે

જે અન્વયે તા.૩૦/૦૬/૨૦૨૨ સુધી થનાર આ સર્વેમાં સરકારના તમામ વિભાગો, એન.જી.ઓ અને જાહેર જનતાને સહભાગી થવા જણાવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જો આવા બાળકો કોઈના ધ્યાનમાં આવે તો નજીકની સરકારી શાળાના આચાર્ય, સી.આર.સી. કો-ઓર્ડીનેટર, તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડીનેટર અથવા સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેકટ કચેરીને કચેરી સમય દરમિયાન લેખિત/મૌખિક અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૩૩-૩૧૫૩ ઉપર ટેલિફોનીક જાણ કરવા સુરેન્દ્રનગર જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અનુરોધ કરાયો છે.

(10:15 am IST)