Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ગૃહમંત્રી હર્ષ સંઘવી રવિવારે મોરબી આવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા કરશે.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે બ્રિજેશ મેરજાની રજુઆતના પગલે ગૃહ મંત્રી મોરબી આવશે

મોરબી : મોરબી જિલ્લામાં હમણાંથી ગુનાખોરી વધી રહી છે. જેને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે મોરબીના ધારાસભ્ય અને રાજયમંત્રી મેરજાએ ગૃહમંત્રીને આ બાબતે કરેલી રજુઆતના પગલે ગૃહમંત્રી હર્ષ સંઘવી રવિવારના રોજ મોરબી આવી રહ્યા છે. અહીં તેઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા હાથ ધરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી લૂંટ અને ચોરી જેવા ગુનાઓ જાણે સામાન્ય બની ગયા હોય તેમ છાસવારે પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ કાબુ બહાર ચાલી જાય તે પહેલાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી હરકતમાં આવ્યા છે. તેઓ આગામી રવિવારના રોજ સવારે 10 કલાકે મોરબી આવી પહોંચવાના છે. અહીં તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંદર્ભે સમીક્ષા બેઠક યોજી તમામ વિગતો મેળવશે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેવી રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરી હતી. જેને પગલે હર્ષ સંઘવીએ મોરબીની સ્થિતિ સુધારવા માટે અહીંની મુલાકાતનું આયોજન કર્યું છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીની રવિવારની મુલાકાત અંગે રાજયમંત્રી બ્રિજેશ મેરજાનો સંપર્ક સાધતા તેઓએ પણ આ મુલાકાતની વાતને સમર્થન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી રવિવારે મોરબીની મુલાકાત લેશે અને તેઓ અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા હાથ ઘરશે.

(10:03 am IST)