Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો:કલેકટર પ્રવિણા ડી. કે. દ્વારા મામલતદાર કચેરી ભુજ ખાતે નવા જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો

આસપાસના નાગરિકોને વન ડે સર્વિસના દાખલા ભુજ શહેરમાં જ મળી રહેશે

ભુજ :કલેકટર પ્રવિણા ડી .કે  દ્વારા મામલતદાર કચેરી ભુજ (શહેર) ખાતે નવા અલગ જનસેવા કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. પ્રજાજનો માટે સેવારત કરાયેલા જનસેવા કેન્દ્રના પ્રારંભથી ભુજ શહેર ,સુખપર, માધાપર અને મીરઝાપરના નાગરિકોને સરકારની વન ડે સર્વિસ જેવાં  કે સોગંદનામા ,આવકના દાખલા કે અન્ય દાખલાઓની સેવા મામલતદાર કચેરી ભુજ શહેરથી સુવિધા મેળવી શકશે. જેનાથી પ્રજાના નાણાં અને સમયનો બચાવ થશે અને જરૂરી પ્રમાણપત્રો મળતા નાગરિકોના કામો ઝડપભેર પૂર્ણ થશે. દરેક નાગરિકોની સેવા માટે તત્પર એવા જનસેવા કેન્દ્રો પરથી આધાર ,રેશનકાર્ડ  , ચૂંટણી કાર્ડ, બિન ખેતી વગેરે જેવાં  વિવિધ પ્રમાણપત્રો પણ મળશે. મામલતદાર કચેરી ભૂજ ગ્રામ્ય ખાતે  એક જનસેવા કેન્દ્ર કાર્યરત છે જયારે આ નવા અન્ય જન સેવા કેન્દ્રનો લાભ લેવા માટે  કલેકટર પ્રવિણા ડી .કે એ પ્રજાજનોને અનુરોધ કર્યો છે .

            કલેક્ટરશ્રીએ આ જનસેવા કેન્દ્રની જાત મુલાકાત લઇને કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે તેમની સાથે નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજા, પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, મામલતદાર શ્રી નિરવભાઈ બ્રહ્મભટ્ટ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(12:47 am IST)