Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આગામી વર્ષાઋુતુની પુર્વ તૈયારી માટે પ્રિ-મોન્‍સુનની બેઠક કલેકટરશ્રી એમ.એ. પંડયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાઇ

-ભયજનક મકાનો, કાચા મકાનો, છાપરા અને તેમાં રહેતા લોકોને સમયસર ચેતવણી મળે તેવી વ્‍યવસ્‍થા કરવા ચર્ચા

દેવભૂમિ દ્વારકાઃદેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં વર્ષાઋતુ-૨૦૨૨ની પુર્વ તૈયારી અંગેની સમીક્ષા બેઠક કલેકટર એમ.એ. પંડયાના અધ્‍યક્ષ સ્‍થાને કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્‍લાના તમામ કર્મચારી/અધિકારીઓ હેડકવાર્ટરમાં રહે તે અંગેની સુચના આપી હતી. લાયઝન અધિકારીએ મામલતદાર/તાલુકા વિકાસ અધિકારીના સંકલનમાં રહી નિચાણવાળા વિસ્‍તાર તેમજ વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્‍ત વિસ્‍તારની મુલાકાત લેવા જણાવ્‍યું હતું. આશ્રયસ્‍થાનો અપડેટ કરવા જણાવ્‍યું હતું. તેમજ શેલ્‍ટર હોમ ખાતે રાઉન્‍ડ ધ કલોક શેલ્‍ટર ઇન્‍ચાર્જ, મેડીકલ સ્‍ટાફ અને પોલીસ સ્‍ટાફની નિમણુંક કરવા તેમજ એન.જી.ઓ.ના સંકલનમાં રહી ફુડ પેકેટ તૈયાર કરવાનું આયોજન કરવા જણાવાયું હતું. હોર્ડિંગ્‍સ તેમજ રસ્‍તા પર આવેલ ઝાડની નડતરરૂપ ડાળીઓ દુર કરવા લગત વિભાગને સુચના આપી હતી. વિજ પુરવઠો સતત જળવાય રહે તે માટેનું આયોજન તથા મેઇનટેનન્‍સ માટેના મટીરીયલનો જરૂરી જથ્‍થો ઉપલબ્‍ધ રાખવા પીજીવીસીએલને સુચના આપી હતી. માછીમારો દરીયામાં ન જાય અને દરીયામાં ગયેલ માછીમારો તાત્‍કાલીક પાછા આવી જાય તેવી સુચના આપવા ફીશરીઝ ઓફીસરશ્રીને જણાવવામાં આવ્‍યું હતું. બચાવ અને રાહત કામગીરી માટેની ટીમો બનાવવા, ઉપરાંત દરીયા કિનારાથી ૫ કી.મી. ની ત્રિજયામાં રહેલા ગામોની યાદી તૈયાર કરવા અને દરીયા કિનારા નજીકના વિસ્‍તારો માટે ચેતવણીની વ્‍યવસ્‍થા કરવા જણાવ્‍યું હતું. ભયજનક મકાનો, કાચા મકાનો, છાપરા અને તેમાં રહેતા લોકોને સમયસર ચેતવણી મળે તેવી વ્‍યવસ્‍થા કરવા ચર્ચા કરવામાં આવી હતી.

ચોમાસા દરમ્‍યાન પશુ મૃત્‍યુ, સરકારી કે ખાનગી મકાનના નુકશાનની વિગતો તાત્‍કાલીક મળી જાય તેવી વ્‍યવસ્‍થા કરવા, કન્‍ટ્રોલરૂમ કાર્યરત કરવા અને એકશન ટેકન રીપોર્ટ તૈયાર કરવા ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્‍લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર કે.એમ.જાની, કાર્યપાલક ઇજનેરઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, ફશરીઝ વિભાગ, ચીફ ઓફીસરઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ લગત વિભાગના અધિકારીઓ જોડાયા હતા.    

 

(6:51 pm IST)