Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

પોરબંદર - રાજકોટ વાયા જામનગર લોકલ ટ્રેઇન વહેલી તકે પુનઃ દોડાવવા કોંગ્રેસની માંગણી

પોરબંદર તા.૧૮ : કોરોનાની  પહેલી લહેર વખતે બંધ થયેલી પોરબંદર - રાજકોટ લોકલ ટ્રેન વહેલી તકે શરૃ કરવા કોંગ્રેસ દ્વારા રજુઆત કરાઇ છે.

કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઇ મોઢવાડીયાએ તંત્રને રજુઆત કરતા જણાવ્યું છે કે કોરોનાની જયારે પહેલી લહેર દેશભરમાં ફેલાઇ ગઇ  ત્યારે અંદાજે બે વર્ષ પહેલા અનેક ટ્રેન બંધ કરી દેવામાં આવી હતી. જેમાં પોરબંદરથી રાજકોટ જતી લોકલ ટ્રેન પણ બંધ થઇ હતી. આ ટ્રેન પોરબંદરથી સવારે સાત વાગ્યે રાજકોટજતી હતી અને બપોરે અઢી વાગ્યે ત્યાંથીપુનઃ પોરબંદર આવવા રવાના થતી હતી. જે રાત્રે આઠ વાગ્યે પોરબંદર  પહોંચતી હતી.

આ ટ્રેન ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદરૃપ હતી. જેમાં માત્ર ૪પ રૃા.માં જ રાજકોટની મુસાફરી થઇ શકતી હતી. કોરોનાકાળ વખતે અનેક ટ્રેનો બંધ થઇ તેમાં આ ટ્રેન બંધ કરી દેવાયા બાદ હાલમાં બધી ટ્રેનોનો વ્યવહાર શરૃ થઇ ચુકયો છે. ત્યારે તંત્રએ આ ટ્રેન શરૃ કરવા માટે વહેલી તકે કાર્યવાહી કરવી જોઇએ. પોરબંદરથી અપ-ડાઉન કરતા નોકરીયાતો સહિત વેપારીઓ અને દવાખાનાના કામ માટે રાજકોટ જતા દર્દીઓ માટે ઉપયોગી એવી આ ટ્રેન શરૃ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવી જરૃરી બની છે તેમ રજુઆતમાં જણાવેલ છે.

(4:35 pm IST)