Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ટ્રેકટરના તોતિંગ વ્‍હીલ હેઠળ કચડાઇ જતા મોજપના યુવાનનું મૃત્‍યુ

જામ ખંભાળિયા, તા. ૧૮ : મીઠાપુરથી આશરે ૮ કિલોમીટર દૂર મોજપ ગામ પાસેની ગોલાઈમાં પૂરઝડપે અને ગફલતભરી રીતે જઈ રહેલા જી.જે. ૩૬ એફ. ૨૦૩૮ નંબરના ટ્રેક્‍ટરના ચાલક સવાભા ભીખનભા કુંભાણી (રહે. મોજપ) નામના ટ્રેક્‍ટર ચાલકે અચાનક બ્રેક મારતાં ટ્રેકટરમાં જઇ રહેલા ગભુભા ધનાભા કુંભાણી નામનો યુવાન ટ્રેકટરમાંથી નીચે પટકાઈ પડ્‍યો હતો. જેના કારણે ટ્રેકટરનું તોતિંગ વ્‍હીલ ગગુભા કુંભાણીના શરીર ઉપરથી ફરી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત હાલતમાં તેમનું મળત્‍યુ નિપજ્‍યું હતું.

આ બનાવ અંગે મળતકના ભાઈ નાગેશભા ધનાભા (ઉ.વ. ૪૨, રહે. મોજપ) ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રેકટર ચાલક સવાભા ભીખનભા કુંભાણી સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪ (અ), તથા એમ.વી. એક્‍ટ મુજબ ગુનો નોંધી, કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળિયામાં ક્રિકેટ મેચ પર સટ્ટો ખેલતા વિપ્ર યુવાનની અટકાયત

ખંભાળિયાના પાંચ હાટડી ચોક વિસ્‍તારમાં રહેતા અને એક કંપનીમાં સેલ્‍સમેન તરીકે કામ કકરતા કિશન ભાસ્‍કરભાઈ ભટ્ટ નામના ૨૬ વર્ષીય યુવાનને લાલપુર ચોકડી વિસ્‍તારમાંથી પોલીસે આઈ.પી.એલ.ના ક્રિકેટ મેચ પર રનફેર, વિકેટ અને ઓવર પર ઓનલાઈન પૈસાની લેતી-દેતી કરી અને સટ્ટો ખેલતા ઝડપી લઇ, તેની પાસેથી રોકડ રકમ, મોબાઇલ ફોન તથા એક મોટરસાયકલ મળી કુલ ૪૫,૯૪૦ નો મુદ્દામાલ કબજે લીધો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સટ્ટાના સ્‍ક્રીનશોટ પણ પુરાવા તરીકે કબજે કર્યા છે.

ઝડપાયેલા કિશન દ્વારા ખંભાળિયાના ૭૯૮૪૭૬૧૫૧૫ મોબાઈલ નંબર ધરાવતા ગૌરાંગ મજીઠીયા નામના શખ્‍સ પાસેથી આઈ.ડી. ખરીદ કર્યાનું ખુલતા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી, કિશન ભટ્ટની અટકાયત કરી, ગૌરાંગ મજીઠીયાને હાલ ફરારી જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે.

હર્ષદમાં વેપાર બાબતે મનદુઃખ : બે દુકાનદારો વચ્‍ચે બઘડાટી

કલ્‍યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા અશોકચંદ્ર કિશોરચંદ્ર દાસાણી નામના વેપારી આધેડની હર્ષદ ગામે દુકાનની બાજુમાં દુકાન ધરાવતા ગાંધવી ગામના આશિષ હર્ષદકુમાર દાસાણી અને નીરજ હર્ષદકુમાર દાસાણી નામના બે બંધુઓ દ્વારા વેપાર બાબતનું મનદુઃખ રાખી અને લોખંડના પાઇપ અને લાકડી વડે બેફામ માર મારી, લોહી લુહાણ કરી મૂકયાની ધોરણસર ફરિયાદ કલ્‍યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

 આ બનાવમાં સામા પક્ષે નીરજ હર્ષદરાય દાસાણી દ્વારા અશોકચંદ્ર કિશોરચંદ્ર દાસાણી અને હેનીશ અશોકચંદ્ર દાસાણી સામે અવારનવાર થતા મનદુઃખનો ખાર રાખી, બંને શખ્‍સો દ્વારા ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી અને લાકડી વડે હુમલો કરવામાં આવતા આ બનાવ  અંગે કલ્‍યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જી.પી. એક્‍ટ મુજબ ગુનો નોંધ્‍યો છે.

(1:20 pm IST)