Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

વાસદ પાસેથી લૂંટ કરવા નિકળેલી ટોળકી ઝડપાઇ

સુરેન્‍દ્રનગર,ધ્રાંગધ્રા સહિતના આઠ જેટલા ગુન્‍હાનો ભેદ ઉકેલાયો : સ્‍વીફટ કારમાંથી શસ્ત્રો કબ્‍જે : પાંચેય શખ્‍સોની અટક

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૮: સુરેન્‍દ્રનગર, અમદાવાદ ગ્રામ્‍ય તથા નડિયાદ પંથકમાં અલગ-અલગ સ્‍થળોએ ધાડ તથા ચોરીના ગુના આચરનાર ટોળકીને વાસદ પોલીસે મોગર ગામ નજીકથી ઝડપી પાડી બે દિવસના રીમાન્‍ડ મેળવ્‍યા હતા.

વાસદ-તારાપુર સ્‍ટેટ હાઈવે ઉપર કંથારીયા ગામ પાસેની એક સીમેન્‍ટની ફેક્‍ટરીમાં એકલા રહેતા સીનીયર સીટીઝનને ત્‍યાં આ ટોળકી ધાડ પાડવા જઈ રહી ત્‍યારે વાસદ પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી.

મોગર ગામ પાસેથી એક શંકાસ્‍પદ સ્‍વીફટ ગાડીને અટકાવી હતી અને કારમાં સવાર પાંચ શખ્‍શોના નામ-ઠામ અંગે પુછપરછ કરતા ચેતનભાઈ નારણભાઈ પરમાર (રહે.કાજીપુરા, સાંથલપુર, વિરમગામ), મહેન્‍દ્રભાઈ ઘનશ્‍યામભાઈ ઠાકોર (રહે.વલાણા, વિરમગામ), વસીમખાન ઉર્ફે ઉંદુભા નગરખાન મલેક, સલીમખાન ઉર્ફે ગુગો નસીબખાન પઠાણ અને નુરમહંમદ અનવરખાન પઠાણ (ત્રણેય રહે. ગેડીયા, દસાડા, પાટડી, સુરેન્‍દ્રનગર) હોવાનું જણાવ્‍યું હતું. પોલીસે તમામ શખ્‍શોની અંગજડતી તેમજ કારની તલાશી લેતા અંદરથી એક મોટુ કટર, ત્રણ મોટા છરા, સેલોટેપના રોલ સહિતની વસ્‍તુઓ મળી આવી હતી.

વધુ પુછપરછ કરતા રીઢા ગુનેગારો સલીમ, નુરમહંમદ અને વસીમને બે વર્ષ પહેલા નડિયાદ ખાતે રહેતા કિરણ તળપદા સાથે મિત્રતા બંધાઈ હતી અને તે અવાર-નવાર ચોરીઓ અંગે ટીપ્‍સ આપતો હોવાનું જણાવ્‍યું હતું. તેમજ નડિયાદના કિરણ વીરાભાઈ તળપદા અને સાગર જગદીશભાઈ મિસ્ત્રીએ વાસદ-તારાપુર સ્‍ટેટ હાઈવે ઉપર આવેલ કંથારીયા ગામ નજીક આવેલી એક સીમેન્‍ટની ફેક્‍ટરીમાં એકલા રહેતા સીનીયર સીટીઝનના ઘરે ધાડ પાડવા માટે બોલાવ્‍યા હોવાનું કબુલ્‍યું હતું. જેથી પોલીસે કિરણ તળપદા અને સાગર મિસ્ત્રીને ઝડપી પાડી વધુ તપાસ અર્થે રીમાન્‍ડ મેળવ્‍યા હતા.

કિરણ તળપદા વિવિધ વિસ્‍તારોમાં ફરી રેકી કર્યા બાદ બહારથી માણસો બોલાવી ગુનાને અંજામ આપતો હતો. કિરણ તળપદા વિરૃધ્‍ધ નડિયાદ શહેર તેમજ ગ્રામ્‍ય પોલીસ મથકમાં જયારે સલીમખાન ઉર્ફે ગુગા વિરૂધ્‍ધ પાટડી પોલીસ મથકમાં ગુનાઓ દાખલ થયેલ હોવાનું જાણવા મળ્‍યું છે. ધાડપાડુ ટોળકીના પાંચ શખ્‍શો પૈકી સલીમ, નુરમહંમદ અને વસીમ હાઈવે માર્ગ ઉપરથી પસાર થતા ચાલુ વાહનોમાં ચઢી તાડપત્રી કાપી અંદરથી કિંમત સામાનની ચોરી કરવામાં પાવરધા હોવાનું જણાવ્‍યું હતું. વસીમ વિરૂધ્‍ધ સુરેન્‍દ્રનગર, અમદાવાદ ગ્રામ્‍ય, ધાંગ્રધા પોલીસ મથકોમાં ૮ જેટલા ગુનાઓ નોંધાયા છે. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્‍યું હતું કે, ધાડ અંગેના પ્‍લાનનો મુખ્‍ય સૂત્રધાર કિરણ તળપદા ચોરી કરવાના ઈરાદે જુદા-જુદા વિસ્‍તારોમાં ફરતો હોવાનું અને અગાઉ પણ ઘરફોડ ચોરીઓમાં ઝડપાયો છે. કંથારીયા ગામ પાસેની સિમેન્‍ટ ફેક્‍ટરીમાં રહેતા સીનીયર સીટીઝનની રેકી કર્યા બાદ ગુનાને અંજામ આપવા માટે વસીમખાન ઉર્ફે ઉદુભાને ટીપ્‍સ આપી હતી. ત્‍યારબાદ પ્‍લાન મુજબ ઘાતક હથિયારો તેમજ જરૃરી સાધનસામગ્રી સાથે કારમાં સવાર થઈ પાંચ શખ્‍શો નીકળ્‍યા હતા પરંતુ પેટ્રોલીંગ કરી રહેલી પોલીસે ધાડપાડુ ટોળકીને રસ્‍તામાં જ ઝડપી પાડી હતી.

વાસદ પોલીસે વાસદ-તારાપુર સ્‍ટેટ હાઈવે ઉપર કંથારીયા ગામ નજીકની સીમેન્‍ટ ફેક્‍ટરીમાં રહેતા એક આધેડને ત્‍યાં ધાડ પાડવા ઘાતક હથિયારો સાથે જઈ રહેલ ટોળકીને મોગર ગામ પાસેથી ઝડપી પાડી હતી. આ ટોળકીએ જતી વખતે પોતાના મોબાઈલ ફોન સ્‍વીચઓફ કરી દીધા હતા અને બે જોડી રબરના હેન્‍ડગ્‍લોવ્‍ઝ અને ત્રણ સેલેટોપ સહિતની સામગ્રી ઝડપી પાડવામાં આવી છે. 

(12:11 pm IST)