Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

ગુજરાતના બાળ અંધત્‍વ નિવારણનાં સ્‍વપ્‍નદ્રષ્‍ટા ડો. રમણીક મહેતાનું લંડન ખાતે કોરોનાથી અવસાન

વાંકાનેર તા. ૧૮ : સમગ્ર ગુજરાતમાંથી બાળ અંધત્‍વ નિવારણ માટે વર્ષોથી સેવારત મૂળ વાંકાનેરનાં વતની ડો. રમણીક મહેતાનું લંડન ખાતે કોરોનાથી ૭૯ વર્ષની વયે નિધન થતાં એક ઉમદા વ્‍યક્‍તિની ખોટ પડી છે.

છેલ્લા ૧૬ વર્ષથી માતૃભૂમિ વાંકાનેર ખાતે દેવ દયા આઈ હોસ્‍પિટલ ખાતે અધ્‍યતન સાધનોથી સુસજ્જ હોસ્‍પિટલમાં હજારો આંખનાં દર્દીઓને મામૂલી ટોકન ચાર્જ લઈ અધ્‍યતન સારવાર ઓપરેશન કરવામાં આવી રહ્યા છે. બાળકો માટે નિઃશુલ્‍ક કેમ્‍પો યોજી સમગ્ર ગુજરાતભરમાંથી બાળ અંધત્‍વ નિવારણ માટે સતત પ્રયત્‍નશીલ અને વાંકાનેરની આઈ હોસ્‍પિટલનો સતત વિકાસ કરનાર ડો. રમણીક મહેતાનાં અવસાનથી વતન વાંકાનેરએ પણ એક ઉમદા સપૂત ગુમાવ્‍યા છે. વાંકાનેરની આઈ હોસ્‍પિટલમાં અમેરિકા, ઈંગ્‍લેન્‍ડના તબીબોને લાવી અનેક મેગા કેમ્‍પો તેઓએ યોજયા હતા, અને હજારો બાળકો, બુઝુર્ગ લોકોને નવી દૃષ્ટિ આપી હતી, આ ઉપરાંત દેવ દયા સેન્‍ટર (બંધુ સમાજ)માં પણ રાહત દરે અનેક વિધ તબીબી સેવા તેઓ એ ઉપલબ્‍ધ કરાવી હતી, તદુપરાંત ગુજરાતભરમાં ૩૩ જેટલી શાળા ઓ બાંધી શૈક્ષણિક ક્ષેત્રે પણ અમૂલ્‍ય યોગદાન ડો. રમણીક મહેતાએ આપ્‍યું હતું, જેઓનાં ધર્મપત્‍ની ડો. ભાનુબેન મહેતાએ પણ માત્ર ચેરિટીનાં હેતુસરઅમૂલ્‍ય યોગદાન આપ્‍યું હતું.

(12:31 pm IST)