Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

રાજુલાના કાતરધાર ડુંગરાનો દવ કાબુમાં

૨૨ વીઘાના જંગલમાં આગ લાગી હતીઃ વન વિભાગ-ફાયર બ્રીગેડ દ્વારા સતત પાણી-ધૂળનો મારો ચલાવી આગને અટકાવીઃ ૧૫ સિંહ, ૭ દિપડા, ૧૫૦થી નિલગાય સહિતના પ્રાણીઓ સલવાયા હોવાનો તંત્રનો દાવો

દોડો...દોડો...ડુંગર પર આગ લાગીઃ રાજુલાના કાતરધાર ડુંગર પર આગ લાગી હતી જે પ્રથમ તસ્વીરમાં દર્શાય છે. બાજુની તસ્વીરમાં આગ બુઝાવી રહેલા વનકર્મીઓ દર્શાય છે (તસ્વીરઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

અમરેલી, તા. ૧૮ :. રાજુલા તાલુકાના કાતર ગામના આવેલ ડુંગરામાં ભીષણ આગ લાગી અને ડુંગરો ખાંભા ફોરેસ્ટ વિભાગનો છે અને થોડી જગ્યા રેવન્યુ વિસ્તારમાં પણ આવતી હતી જેને લઈને આગ લાગતા થોડીવારમાં વિકરાળ આગ લાગી ગઈ અને ગામના જાગૃત સરપંચ અંબરીશભાઈ વરૂ તાત્કાલીક દોડી આવ્યા હતા અને વન વિભાગને જાણ કરી હતી. અહીંના સ્થાનિક સામાજિક અગ્રણી સંજયભાઈ સાંખટ પણ દોડી આવ્યા હતા. જો કે ઘટનાને પગલે ગામના વિવિધ જાગૃત લોકો અહીં દોડી આવ્યા હતા અને આગ કેવી રીતે લાગી તે હજુ કારણ જાણી શકાયું નથી પરંતુ હાલમાં આગ ભીષણ બની ગઈ હતી. અંદાજીત ૨૨ વીઘાના ડુંગરામાં આગ લાગી હતી અને મોટાભાગના ડુંગરો આગમાં બળીને ખાખ થયા હતા અને આ વિસ્તારમાં વન્યપ્રાણીનો વસવાટ પણ ખૂબ વધુ હોવાને કારણે વન વિભાગના અધિકારીઓ રેસ્કયુ ટીમ પણ અહીં દોડી આવી હતી, રાજુલા ખાંભા વન વિભાગનો જંગી સ્ટાફ દોડી આવ્યો હતો અને ફાયરબ્રિગેડ દ્વારા આગને બુઝાવવાનો પ્રયાસ શરૂ છે પરંતુ તેમ છતાં આગ ભીષણ હોવાને કારણે ડુંગરો આગની લપેટમાં આવી ગયા છે. જો કે અહીં ચારે તરફ આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. આસપાસના ખેડૂતો પણ આગના કારણે ચિંતિત જોવા મળ્યા હતા અને ડુંગરા આસપાસ ૧૫થી વધુ સિંહો આવેલા છે અને ૭ ઉપરાંતના દીપડાઓ વસવાટ કરે છે અને ૧૫૦ કરતા વધુ નિલગાયો અહીં રહે છે મોટાભાગના સિંહો આ ડુંગરા પણ રહે છે. દિવસ દરમિયાન સિંહો ડુંગરા પર રહેતા હતા અને રાત્રીના સમયે આસપાસના ખેતરો સીમ વિસ્તારમાં સિંહો રહેતા હતા અને આગ લાગતા નીલગાયો આગ અને ધુમાડાના કારણે ડુંગરા આસપાસ ભારે દોડધામ કરતા નજરે જોવા મળ્યા હતા પરંતુ અહીં સિંહો દીપડા અહીં જોવા મળ્યા નહીં પરંતુ કેટલાક સ્થાનિક લોકો કહી રહ્યા છે આ ડુંગરો છોડી પહેલા અન્ય વિસ્તારમાં સિંહો ભાગી ગયા હતા અને વન વિભાગનો સ્ટાફ સતત અહીં ખડેપગે જોવા મળી રહ્યો છે. હાલમાં મોટાભાગની આગ કાબુમાં આવી ગઈ હોવાનું મનાય રહ્યુ છે પરંતુ આગ વિકરાળ લાગી હોવાને કારણે હજુ ધુમાડાની અસર જોવા મળી રહી છે.

આગના કારણે કાતર ગામમાં પણ ભારે દોડધામ મચી ગઈ હતી. હાલમાં ડુંગરો આગમાં સમેટાઈ ગયો જેને લઈને સિંહોનું રહેઠાણ પણ સવાલો ઉઠી રહ્યા છે. અહીં નીલગાયોનું રહેણાક પણ આ વિસ્તારમાં હવે રહ્યુ નથી જેને લઈ સિંહ પ્રેમીઓ પણ ચિંતિત જોવા મળી રહ્યા છે.

(1:02 pm IST)