Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

રીબડા મંડળીના મંત્રી ગૌતમ ઉપાધ્યાયએ ગોળી ધરબી આપઘાત કર્યાના બનાવમાં 'દેણું' કારણભૂત

માજી ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના બંગલામાં બનેલ આત્મહત્યાની ઘટના સીસીટીવી ફુટેજમાં કૈદ :આપઘાત પુર્વે ત્રણ વ્યકિતઓને ઓડીયો કલીપ મોકલી'તીઃ જુનુ મકાન વેચી લેણદારોને રૂપીયા આપી દેવા સુચના આપી

રાજકોટ, તા., ૧૮:ગોંડલના રીબડા ગામે  પુર્વ ધારાસભ્ય મહિપતસિંહજી જાડેજાની પરવાનાવાળી પિસ્તોલમાંથી ગોળી ધરબી દઇ સહકારી મંડળીના યુવાન મંત્રી ગૌતમ રાજુભાઇ ઉપાધ્યાય (રહે. ગોંડલ) એ આપઘાત કરી લીધાના બનાવમાં દેણું કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

મળતી માહીતી મુજબ ગઇકાલેે ગોંડલ-રાજકોટ હાઇવે પર રીબડાના પાદરમાં આવેલા મહિપતસિંહ જાડેજાના બંગલોમાં  રીબડા સહકારી મંડળીના મંત્રી ગૌતમ ઉપાધ્યાયએ મહિપતસિંહની  પરવાનાવાળી પિસ્તોલમાંથી ગોળી ધરબી આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા કર્યાનું સ્પષ્ટ થયું હતું. 

આ બારામાં મહિપતસિંહ જાડેજાએ પોલીસને પ્રાથમીક નિવેદનમાં એવું જણાવ્યું છે કે, મારા બંગલોને અડીને આવેલી સહકારી મંડળીની ઓફીસમાં મંત્રી તરીકે કામ કરતો બ્રાહ્મણ યુવાન ગૌતમ મારા પુત્ર જેવો હતો.  હું મારા બંગલોમાં એકલો રહેતો હોવાથી મારી દવા અને રોજીંદી જરૂરીયાતોનું પણ તે ધ્યાન રાખતો હતો. છેલ્લા બે દિવસથી કોઇ બેન્કના મેનેજર તેને મળવા આવતા હતા.  મને કોઇ બાબતની વાત કરી ન હતી.

મૃતક ગૌતમ ઉપાધ્યાય છેલ્લા ૧૧ વર્ષથી રીબડા મંડળીમાં ફરજ બજાવતા હોય પુર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના બંગલામાં તેની અવરજવર રહેતી હતી. બંગલામાં સીસીટીવી કેમેરા હોય મૃતક ગૌતમ કયારે બાપુના રૂમમાં પ્રવેશ્યો અને પિસ્તોલ દ્વારા પોતાના પર ગોળી ધરબી કરેલ આત્મહત્યાની ઘટના સીસીટીવી કેમેરામાં કૈદ થઇ ગઇ હોય પોલીસે કેમેરાના ફુટેજ મેળવ્યા હતા.

મૃતક ગૌતમભાઇ ઉપાધ્યાય સ્યુસાઇટ કરતા પહેલા ૩ વ્યકિતઓને ઓડીયો કલીપ મોકલી હતી. જેમાં પહેલા રીબડા પંચાયતના ઇન્ચાર્જ મંત્રી દિગ્વીજયસિંહ જાડેજાને કહયું હતું કે, બાપુ તમારૂ માનશે તેઓનું ધ્યાન રાખજો. મારાથી મોટી ભુલ થઇ છે અને બાપુને નિયમીત દવા લેવાનું કહેજો. બીજી ઓડીયો કલીપ મંડળીના કલાર્ક જીજ્ઞેશ ભરતભાઇ સરવૈયાને મોકલી હતી અને શિખામણ આપી હતી કે જીંદગીમાં કંઇ ખોટુ ન કરતો, મારા પપ્પાને શાંતિથી સમજાવજે. મેં જયાંથી પૈસા લીધા છે તેના કારણે બાપુને નીચુ જોવા જેવું થયું છે. જુનુ મકાન વેચાય અને રૂપીયા આવે એટલે ૭ લાખ ભગત પેટ્રોલ પંપ વાળાને, ૬ાા લાખ  પ્રકાશ કાનબારને, પ લાખ કોઠારીભાઇને, ૩ાા લાખ અન્ય એક ભાઇને, ર લાખ રાજેશકુમાર, પ લાખ નિલય મહેતા, ૧ લાખ મોહનભાઇ સિધ્ધપરા, ૯૬,૭૦૦ રાજુભાઇ અને પ૦ હજાર બાલાભાઇને આપી દેજો. ત્રીજી ઓડીયો કલીપમાં જણાવ્યું હતું કે, બધાનું ધ્યાન રાખજો અને કેવલ્યને સાચવજો.

પોલીસની પ્રાથમીક તપાસમાં મૃતક મંત્રી ગૌતમ ઉપાધ્યાયે નવા મકાન બનાવવા માટે રૂપીયા ઉછીના લીધા હતા અને તેનું દેણુ થઇ જતા આર્થિક ભીંસથી કંટાળી આ પગલું ભર્યુ હતું.

આપઘાત કરનાર ગૌતમભાઇ ઉપાધ્યાય પરીવારમાં એકના એક પુત્ર હતા અને તેને પ વર્ષનો પુત્ર છે. તેના પિતા રાજુભાઇ ઉપાધ્યાય જીઇબી ઓફીસમાં મીટર ફોર્મ ભરી આપવાનું કામ કરતા હતા.

(12:04 pm IST)