Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ડબલ મર્ડરનો ભેદ ઉકેલવામાં જુનાગઢ પોલીસના ટેકનિકલ સોર્સની મહત્વની ભૂમિકા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૭ :.. જુનાગઢના અશ્વિન પ્રેમજીભાઇ પરમાર અને જેતપુર તાલુકાના જેપુર ગામના રમેશભાઇ કલાભાઇ બાલધાની હત્યાનો ભેદ ઉકેલવામાં જુનાગઢ પોલીસના ટેકનીકલ સોર્સની મહત્વની ભૂમિકા રહી છે.

જુનાગઢના ખડીયા ગામના નાનજી ઉર્ફે નાસીરભાઇ ભીમાભાઇ કાતરીયાએ જુનાગઢન અશ્વિન પરમારની કાર ચોટીલા દર્શન માટે ભારે કરેલ જો કે આ પછી અશ્વિનભાઇ તેના ઘરે પરત આવેલ નહીં આથી તેના પુત્રએ ગુમ થયાની જુનાગઢ સી. ડીવીઝન પોલીસમાં જાણ કરી હતી.

આ બાબતે ગંભીરતાથી લઇ એસપી રવી તેજા વાસમ શેટ્ટીએ તપાસનો આદેશ કરેલ. ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ કાફલાએ તપાસનો ધમધમાટ શરૂ કરેલ. સીસી ટીવી ફુટેજની તપાસ કરતા નાનજી ઉર્ફે નાસીરખાનની શંકાસ્પદ હિલચાલ જણાઇ હતી. આથી તેને દબોચી લઇ ક્રાઇમ બ્રાંચના પીઆઇ આર. કે. ગોહીલ વગેરેએ આગવી ઢબે પુછપરછ કરતા તે પોપટ બની ગયો હતો.

જુનાગઢ ક્રાઇમ બ્રાંચ અને ગોંડલ પોલીસે બન્નેના મૃતદેહ બહાર કાઢયા હતાં. આમ પોલીસે ડબલ મર્ડરનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો હતો. જો કે સમગ્ર ભેદ જૂનાગઢ જિલ્લાના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ ખાતેના પીએસઆઇ પ્રતિક મશરૂ તેમજ તેમના સ્ટાફના જયેશ તથા રાહુલ ગીરી મેઘનાથી સહિતની ટીમની જહેમતને લઇને ઉકેલાયો હતો.

આ કામગીરીમાં ડીવાયએસપી શ્રી જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના શ્રી ગોહીલ, શ્રી બડવા, શ્રી જલુ, સી. ડીવીઝનના પીએસઆઇ કે. એસ. ડાંગર, ઉપરાંત જમાદાર વિક્રમ ચાવડા,  શબીરખાન બેલીમ, નિકુંજ પટેલ, શાહીલ સમા, જીતેશ મારૂ, ડાયાભાઇ કરમટા, યશપાલસિંહ જાડેજા, ભરત ઓડેદરા, દેવશીભાઇ નંદાણીયા, જયદીપ કનેરીયા, ભરત સોલંકી, દિવ્યેશ ડાભી, કરશનભાઇ કરમટા, દિનેશ કરંગીયા રાજેશ્રીબેન જીવરાણીયા અને વિણાબેન નાગાણી તેમજ ગોંડલનો પોલીસ સ્ટાફ રોકાયો હતો.

(1:30 pm IST)