Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ગોંડલમાં અડધો ઇંચ : સૌરાષ્ટ્રના બંદરો ઉપર ૩ નંબરના સિગ્નલ

વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતો ચિંતીત : ચોમાસાના વિદાય સમયે વરસાદ વરસતા નુકશાન : સર્વત્ર મિશ્ર વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ

પ્રથમ તસ્વીરમાં ધોરાજી-જામકંડોરણા પંથકમાં ખેડૂતો વરસાદથી પાકને બચાવવા પ્રયત્ન કરે છે તો બીજી તસ્વીરમાં કોટડાસાંગણીમાં વરસાદી પાણી નજરે પડે છે.(તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી) કલ્પેશ જાદવ કોટડાસાંગાણી)

રાજકોટ,તા. ૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણ વચ્ચે હળવો -ભારે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. ગઇ કાલે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને હળવો વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે અને છૂટાછવાયા ઝાપટાં વરસ્યા છે. પોરબંદરના બરડા પંથકમાં એકથી દોઢ ઈંચ જેવો ધોધમાર તો ઊના, કોટડાસાંગાણી, માણાવદર, કચ્છ જિલ્લા સહિતમાં હળવા-ભારે ઝાપટાં પડ્યા છે. દરિયો તોફાની બનતાં સૌરાષ્ટ્રના બંદરો પર ત્રણ નંબરના સિગ્નલ લગાવાયા છે. ઝાપટાં સાથે વરસાદની આગાહીથી પાક બગડવાની ભીતિથી ખેડૂતોની ચિંતા ફરી વધી ગઈછે.

રાજકોટ જિલ્લામાં જસદણના સાણથણી પ્રતાપપુર પિપળિયા તથા નજીકના બાબરાના રાણપુરા અને નડાલામાં રાત્રે ૮:૩૦ વાગ્યે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આશરે અર્ધાથી દોઢ ઇંચ પડી ગયો હતો. જ્યારે આટકોટમાં ઝોરદાર ઝાપટું વરસી ગયું હતું.

ભચાઉમાં થયેલા વરસાદના કારણે માર્ગો પરથી પાણી વહી નિકળ્યા હતા. જિલ કંટ્રોલરૂમમાં નોંધાયેલા આંકડા મુજબ અહીં ૯ એમ.એમ. વરસાદ થયો હતો. જયારે અંજાર, આદિપુર, ગાંધીધામ અને કંડલામાં પણ ઝાપટા વરસ્યા હતા. સતાપરમાં સમી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સતાપરમાં થયેલા વરસાદના કારણે પાણી વહી નિકળ્યા હતા. કચ્છ સહિત ગુજરાત ભરમાં વરસાદની આગાહી અને હવામાનમાં આવેલા પલટાના કારણે સૌરાષ્ટ્રના બંદરો પર ૩ નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા માટેની સ્પષ્ટ સૂચના અપાઈ છે.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ ધોરાજી જામકંડોરણા પંથકમાં છૂટો છવાયા વરસાદ પડતાં ખેડૂતોના મોંમા આવેલા કોળિયા આંચકી લીધો છે. ચોમાસું પાક અને મગફળી ના થ્રેસર ચાલું હોય ત્યારે જામકંડોરણા વરસાદી માહોલ સર્જાયો છે.જામકંડોરણા પંથકમાં સાંજે ૬ વાગ્યે અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણ પલ્ટો આવ્યો હતો.

કોટડાસાંગાણી

(કલ્પેશ જાદવ દ્વારા)કોટડાસાંગાણીઃ  કોટડાસાંગાણી સહીત આસપાસના ગામોમા વરસાદી ઝાપટા પડતા ખેડુતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવા પામ્યુ છે.

કોટડાસાંગાણી સહીત ખોખરી દેવળીયા હડમતાળા સોળીયા નારણકા અરડોઈ સહીતના ગામોમા દિવસ દરમિયાનના બફારા બાદ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકતા મોડેથી ખેડુતોએ ઉપાડિને રાખેલી મગફળી પલળી જવા પામી હતી. જયારે તાજેતરમાંજ થ્રેસરમાથી મગફળી કાઢિ હોઈ તેવા ખેડુતોનો મગફળીનો કુચો અનેક ખેડુતોનો પલળી જતા માલઢોરને નીરણમા પણ ઉપયોગ નહી આવી શકે.પહેલેથીજ ભારે વરસાદને કારણે તાલુકાના ખેડુતોને ભારે ફટકા પડવા પામ્યા હતા. ત્યારે ફરી એક વખત ભારે પવન સાથે વરસાદ ખાબકતા કપાસના પાકની ડાળીઓ તુટી હતી. અને તેમા આવેલ ફુલ ખરી જવાથી આ વીસ્તારના ખેડુતોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવા પામ્યુ છે.ભારે વરસાદી ઝાપટાથી કોટડાસાંગાણીની બજારોમા પાણી વહેતા થયા હતા.કોટડાસાંગાણી પ્રોપરમા ૧૦ એમએમ વરસાદ નોંધાયો હતો.જયારે વરસાદી ઝાપટાથી ગ્રામજનોને બફારાથી રાહત મળી હતી.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલઃ ગોંડલ શહેર અને પંથક માં વરસાદ નોંધાયો હતો. ભરૂડી, પીપળીયા, ભુનાવા, સહિત ના ગ્રામ્ય વિસ્તારો માં વરસાદ વરસ્યો હતો. ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. અસહ્ય અને ગરમીથી ત્રસ્ત લોકોને વરાસદના કારણે રાહત મળી હતી. જો કે વરસાદના કારણે ખેડૂતોની સ્થિતી કફોડી થઇ હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદની સાથે જ શહેરમાં લાઈટ ગુલ થઇ. ગોંડલ રાજકોટ હાઇવે પર પણ વરસાદ પડ્યો હતો. ભુણાવા, હડમતાળા અને ભરુડી સહિતના ગામો પર ભારે પવન સાથે વરસાદ. પડ્યો હતો

ગોંડલ શહેર પંથકમાં દિવસ દરમિયાન ગરમીનો પારો ઊંચો રહ્યા બાદ સાંજના સુમારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ગોરંભાયું હતું વીજળીના કડાકા-ભડાકા સાથે અડધો ઇંચ ધોધમાર વરસાદ વરસી જતા શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા તાલુકાના પાચીયાવદર શેમળા ભુણાવા સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટું વરસ્યું હતું ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં મગફળી ની ધૂમ આવક થઇ રહેલ હોય ત્યારે તંત્ર દ્વારા મગફળી નો નિકાલ કરી આપવામાં આવ્યો હોય સધ્નસીબે મગફળી પલળવા થી બચવા પામી હતી જયારે બાકીની જણસીઓ છાપરામાં હોય ખેડૂતોનો માલ નુકસાન થવાથી બચ્યો હતો.

અમરેલી

(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલીઃ અમરેલીના ખાંભા તેમજ નાનુડી ગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ અનેક ગામોમાં વરસાદ તુટી પડ્યો હતો. જો કે કમોસમી વરસાદનાં કારણે પહેલાથી જ પરેશાન ખેડૂતોની ચિંતામા વધારો થયો છે.

દેવભૂમિ દ્વારકા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળીયાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ભાણવડ શહેરમાં કમોસમી વરસાદથી શહેરનાં રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે. વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. જો કે કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતી વધારે કફોડી કરી છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા)ભુજઃ કચ્છના કાંઠાળ વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. મુન્દ્રા માંડવી તાલુકાના કાંઠાળ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. લો પ્રેશરના કારણે કાલે સાંજથી કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. વરસાદ સાથે ૩૬નો આંકડો ધરાવતા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે.

શિયાળાના આગમન ટાણે વાતાવરણ પલટાતા બેવડી ઋતુનો અહેસાસ

રાજકોટ, તા.૧૭ : શિયાળાના આગમન ટાંણે વાતાવરણમાં પલ્ટો આવતાં બેવડી ઋતુનો અહેસાસ થવા લાગ્યો છે અને આગામી દિવસોમાં માવઠું થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે. તે ઉત્તમ મહારાષ્ટ્રના સમુદ્રમાં અસર વરતાવી શકે છે. આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ ઉત્તર તરફ આગળ વધી શકે છે. તેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. તેમજ હાલમાં ઉત્તર પૂર્વનો પવન ફૂંકાઇ રહ્યો હોવાથી બેવડી ઋતુનો અહેસાસ થવા લાગ્યો છે. દિવસે આકરો તડકાથી ગરમી પડી રહી છે અને સાંજ પડતાની સાથે વાતાવરણ ઠંડુ થઇ રહ્યું છે.

સ્થાનિક હવામાન ખાતાના જણાવ્યા અનુસાર શુક્રવારે ગાંધીનગર જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો ર૭ ડીગ્રી અને મહત્તમ તાપમાન ૩પ.પ ડીગ્રી નોંધાયું છે. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૬૯ ટકા અને સાંજે પ વાગ્યે ઘટીને ૬૦ ટકા નોંધાયું હતું.

(11:36 am IST)