Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

પોરબંદરના બરડા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ: ખેડૂતોના ખેતીના પાકમાં મોટાપાયે નુકસાનની ભીતિ

બરડાના બગવદર, ખાંભોદર, કુણવદર સહિતના વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ

 

પોરબંદર: પોરબંદર જિલ્લાના બરડામાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. બરડાના બગવદર, ખાંભોદર, કુણવદર સહિતના વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ ખેડૂતોમાં છે. પોરબંદર પંથકમાં પાછોતરો વરસાદ થવાના કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતિ છે.

 વરસાદની આગાહી વચ્ચે પોરબંદર પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. પોરબંદર  બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. દરિયામાં ભારે પવન અને વરસાદની આગાહીના પગલે સિગ્નલ લગાવાયું છે. માછીમારી કરવા જતી બોટના ટોકન બંધ કરવામાં આવ્યા છે. સાથે માછીમારોને દરિયો ખેડવા અને નજીકના બંદર પર ખસી જવા સૂચના આપવામાં આવી છે.

(11:19 pm IST)