Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

પોરબંદરમાં મહિલા સાથે દુષ્કર્મ આચરીને ફોટા પાડી લેનાર પોલીસ કર્મચારી સસ્પેન્ડ

(હેમેન્દ્રકુમાર પારેખ-પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૭ :.. મહિલા ઉપર દુષ્કર્મ આચારીને તેના ફોટા પાડીને મોબાઇલ ઉપર વાયરલ કરી દેવાની તેમજ રૃા. પ૦ હજારની માગણી કરનાર પોલીસ કર્મચારી કાનજી કેશવલાલ વાસણની પોલીસે ધરપકડ કરીને  તેને પોલીસ ફરજમાંથી સસ્પેન્ડ કરી દેવાયેલ છે.

પોરબંદરના પોલીસ કર્મચારી કાનજી કેશવલાલ વાસણે અન્ય જિલ્લામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીની પત્ની સાથે સંબંધનો લાભ લઇને દુષ્કર્મ આચરી લીધું હતું. ત્યારપછી બન્નેના સંબંધના ફોટા પાડીને મોબાઇલમાં વાયરલ કરવાની ધમકી આપીને રૃા. પ૦ હજારની માગણી કરી હતી.

દુષ્કર્મના બનાવમાં પીડિત મહિલાએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરીયાદમાં જણાવેલ કે, પોલીસ કર્મચારી કાનજી કેશવલાલ વાસણે તેની સાથે સંબંધ આગળ ધપાવીને દુષ્કર્મ આચર્યુ હતું. આરોપી પોલીસ કર્મચારી કાનજી કેશવલાલ વાસણની પત્ની સાથે પીડિત મહિલાની ઓળખાણ થઇ હતી અને ફોન ઉપર વાતચીત કરતા હતાં. સાતેક મહિના પહેલા કોઇ કામ માટે પોલીસ કર્મચારી કાનજી વાસણે આ મહિલાને પોતાનાં ઘરે બોલાવીને મરજી વિરૃધ્ધ બે વખત દુષ્કર્મ ગુજાર્યુ હતું. અને ફોટો પાડીને વાયરલ કરવાની ધમકી આપી તેનો જીવ જોખમમાં મૂકી રૃા. પ૦ હજારની માગણી કરી હતી. અને વધુ રૃપિયાની માગણી કરીને ધમકી આપી હતી. ઉદ્યોગનગર પોલીસમાં આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ફરીયાદ અંગે તાકીદે પોલીસ કર્મચારી કાનજી વાસણની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને સસ્પેન્ડ કરી દેવાયો હતો. દુષ્કર્મ અંગે વધુ તપાસ પી. આઇ. લીના રાઠોડ ચલાવી રહેલ છે.

(1:28 pm IST)