Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

પ્રતાપપુરમાં કમલેશ ચાવડાની પત્‍નિના પ્રેમી યશવંત મકવાણાના હાથે હત્‍યા

જસદણ પંથકના નાના એવા ગામમાં અરેરાટી : મૃતક કમલેશે પ્રથમ પત્‍નિને છૂટાછેડા આપી દીધા બાદ વડિયાની પ્રેમિકા કોમલ સાથે ૨ દિવસ પહેલા જ્ઞાતિના રિવાજ મુજબ લગ્ન કર્યા'તા

તસ્‍વીરમાં મૃતકનો મૃતદેહ તથા તેનો ફાઇલ ફોટો. (તસ્‍વીર : વિજય વસાણી, આટકોટ)

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૭ :.. જસદણનાં પ્રતાપપુર (નવાગામ) માં હજૂ બે દિવસ પહેલા જ લગ્નથી જોડાયેલા કમલેશની બીજી પત્‍નિ કોમલના પ્રેમી દ્વારા હત્‍યા કરવામાં આવતા પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્‍યો છે તેમજ કમલેશની પ્રથમ પત્‍નિની પાંચ વર્ષની પુત્રી પિતા વિહોણી બની ગઇ છે....!

જસદણ-વાસાવડ રોડ ઉપર આવેલ પ્રતાપપુર ગામે રહેતા દલિત યુવક કમલેશ  મોહનભાઇ ચાવડા ઉ.વ.૩ર ગત રાત્રે તેમના ઘેર સુતો હતો બાદમં બાર વાગ્‍યા આસપાસ કમલેશ બાથરૂમ જયા રૂમની બહાર નિકળતા અગાઉથી સંતાઇને બેઠેલો તેની પત્‍નિ કોમલનો પ્રેમી યશવંત મહેશભાઇ મકવાણા જાતે કોળીએ કમલેશને આડેધડ છરીના ઘા ઝીંકી દેતા કમલેશનું મોત થયું હતું.

બાદમાં કોઇ કઇ વિચારે અને જાગીને બહાર આવે ત્‍યાં તો પત્‍નિનો પ્રેમી વડીયાનો યશવંત ભાગી છૂટયો હતો.

હજૂ બે દિવસ પહેલા જ કમલેશ અને તેની પ્રેમીકા કોમલના જ્ઞાતિના રિવાજ મુજબ ધરધરણુ કર્યુ હોય કમલેશના બનેવી સહિત બીજા અમુક મહેમાનો તેમજ કમલેશનો ભાઇ થોડે દુર ફળીયામાં જ સુતા હતા પરંતુ તેઓ બચાવવા દોડી આવે એ પહેલા હત્‍યારા યશવંતે છાતાના ભાગે હૃદય ઉપર મારેલો ઘા જીવલેણ નિવડયો હતો.

ઉલ્લેખનીય છે કે કમલેશનાં અગાઉ લગ્ન થયા હતા અને સંતાનમાં પાંચ વર્ષની દીકરી પણ છે પરંતુ વડીયાની  તેમની જ જ્ઞાતિની અને નજીકના સગા-વ્‍હાલા ની દિકરી કોમલ સાથે કમલેશની આંખ મળી ગઇ હતી બંનેએ સાથે રહેવુ હોય કમલેશે તેની પ્રથમ પત્‍નિને બે મહિના પહેલા છૂટાછેડા આપી દઇ હજુ ગત તા. ૧પ ના રોજ જ્ઞાતિના રીવાજ મુજબ કોમલ સાથે ધર-ધરણુ કરી નવા દાંપત્‍ય જીવનની શરૂઆત કરી હતી.

કોમલને વડીયા ખાતે જ રહેતા યશવંત અશ્વિનભાઇ મકવાણા જાતે કોળી યુવક સાથે પણ પ્રેમ સબંધ હોય કોમલ પોતાને છોડી કમલેશ સાથે ઘર સંસાર માંડી દેતા પ્રેમી યશવંતથી સહન ન થતા વડીયાથી પ્રતાપપુર આવી પ્રેમીકાના પતિની હત્‍યા કરી નાસી છૂટયો છે.

આ બનાવની જાણ થતા જીલ્લા એલ. સી. બી. શાખાના પી. આઇ. વિજયભાઇ ઓડેદરા, આટકોટના પીએસઆઇ કે. પી. મેતા સહિતનો પોલીસ કાફલો તાત્‍કાલીક પ્રતાપપુર પહોંચી જઇ આરોપીને ઝડપી લેવા નાકાબંધી કરી છે. કમલેશનો મૃતદેહ જસદણ સીવીલ હોસ્‍પિટલ ખસેડવામાં  આવ્‍યો છે જયાં પરિવારજનો દ્વારા જયાં સુધી આરોપી ન પકડાય ત્‍યાં સુધી મૃતદેહ સ્‍વીકારવાની ના પાડતા સ્‍થાનિક પોલીસ દ્વારા કડક બંદોબસ્‍ત ગોઠવી દેવામાં આવ્‍યો છે. અને પરિવારજનોને આ લખાય છે ત્‍યારે સમજાવવામાં આવી રહ્યા છે.

(12:00 pm IST)