Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

શ્રાવણમાં જુનાગઢ જિલ્લામાં મેઘાની જમાવટ-વધુ એકથી બે ઇંચ વરસાદ

મોસમનો કુલ વરસાદ ૯૭.૧૦ ટકા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭: શ્રાવણમાં જુનાગઢ જિલ્લામાં મેઘાએ બરાબરની જમાવટ કરતા વધુ એકથી બે ઇંચ વરસાદ થયો છે જેના પરિણામે નદી-નાળા ફરી છલકાય ગયા છે.
પવિત્ર શ્રાવણ માસ પુરો થવામાં છે આજથી જન્માષ્ટમી પર્વની શરૂઆત થઇ છે ત્યારે જુનાગઢ જિલ્લામાં અષાઢની જેમ મેઘાએ અવિરત વરસવાનું ચાલુ રાખ્યું છે.
જુનાગઢમાં સોમવારની માફક મંગળવારની રાત્રે પણ મેઘો વરસ્યો હતો મઘરાત બાદ શરૂ થયેલી મેઘસવારની આજે સવાર સુધી યથાવત રહેતા જુનાગઢમાં વધુ બે ઇંચ પાણી પડયાનું નોંધાયું છે.
જુનાગઢનાં દાતાર પર્વતીય વિસ્તારમાં રાત્રીનાં પડેલા ભારે વરસાદનાં કારણે જુનાગઢનું નરસિંહ મહેતા સરોવર આજે પણ ઓવરફલો થયેલ છે.
ગિરનાર ઉપર પણ ભારે વરસાદ વરસતા સીડી પરથી ધોધની માફક પાણી વહેતા જોવા મળ્યા હતા. આ સાથે દામોદર કુંડ ફરી છલોછલ થઇ ગયો હતો અને સોનરખી નદીમાં પુર આવ્યું હતું.
ર૪ કલાક દરમ્યાન જુનાગઢ જિલ્લામાં કુલ ૩ર૪ મીમી એટલે કે ૧૩ ઇંચ વરસાદ નોંધાતાં જિલ્લાનો મોસમનો કુલ વરસાદ ૯૭.ર૦ ટકા થવા પામ્યો છે.
આજે સવાર સુધીમાં જુનાગઢ જિલ્લાનાં કેશોદમાં ર૬ મીમી, જુનાગઢ-૪૧, ભેસાણ-ર૦, મેંદરડ-૩૯ મીમી, માંગરોળ-૧૮, માણાવદર-૩પ, માળીયા હાટીના ૪૪, વંથલી-૧૮ અને વિસાવદર તાલુકામાં ૪ર મીમી વરસાદ થયો હતો.
આ લખાય છે ત્યારે પણ જાુનાગઢ શહેર સહિત જિલ્લામાં વરસાદ ચાલુ રહ્યો છે.

 

(11:35 am IST)