Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મફત શિક્ષણ, આરોગ્‍ય સુવિધા જેવા નાગરિકોના અધિકાર એ રેવડી નથી : અરવિંદ કેજરીવાલ

ભુજમાં કેજરીવાલે મીડિયા સાથેની વાતચીતમાં રેવડી મુદ્દે કર્યો પલટદાર, દિલ્‍હી પછી પંજાબમાં ૩૦૦ યુનિટ વીજળી ફ્રી, મોંઘી ફી સાથેના શિક્ષણ સામે ગુજરાતમાં ૫ મુદ્દા સાથે શિક્ષણ ક્ષેત્રે કામ કરવાનો વાયદો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૭ : આવનારી વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ આમ આદમીને સ્‍પર્શતા શિક્ષણ, આરોગ્‍ય અને વીજળી બિલ જેવા પ્રશ્ને ભાજપને ભીંસમાં લઈ ગુજરાતમાં રાજકીય પડકાર ઊભો કરી રહ્યા છે. પોતાના ભુજના ટૂંકા પ્રવાસમાં મીડિયાને આપેલા ઇન્‍ટરવ્‍યૂમાં અરવિંદ કેજરીવાલે રેવડી મુદ્દે ભાજપ ઉપર પલટવાર કર્યો હતો.

કેજરીવાલે શિક્ષણ અને આરોગ્‍ય જેવી સુવિધા મફત મળે એ નાગરિકોનો અધિકાર હોવાનું જણાવી એને વિરોધીઓ રેવડી કેમ ગણે છે? એવો સામો સવાલ પૂછ્‍યો હતો. આપ સરકારે દિલ્‍હીમાં ૩૦૦ યુનિટ વીજળી ફ્રી આપી છે હવે પંજાબમાં આપશે અને જો ગુજરાતમાં જીતીશું તો ગુજરાતમાં પણ ૩૦૦ યુનિટ વીજળી ફ્રી આપીશું. જોકે, સૌથી મોટો અને મહત્ત્વનો મુદ્દો ગુજરાતમાં મોંઘા થયેલા શિક્ષણનો હોવાનું જાણીને અરવિંદ કેજરીવાલે ખાનગી શાળાઓની મનમાની તેમ જ રાજકીય ઓથ સાથે ચાલતી ખાનગી શાળાઓ મુદ્દે ગુજરાતમાં મફત શિક્ષણ આપવા મુદ્દે પાંચ મુદ્દાઓ જાહેર કર્યા હતા.

દુનિયાના અમેરિકા તેમ જ ઇંગ્‍લેન્‍ડ જેવા દેશો પણ મફત શિક્ષણ આપતા હોવાનું જણાવી કેજરીવાલે ભાજપ સરકાર સામે શિક્ષણ ના પ્રશ્ને સવાલો સર્જી આમ આદમીની લાગણી જીતવા પ્રયાસ કર્યો છે.

ગુજરાતમાં આપ સત્તામાં આવશે તો (૧) ગુજરાતના દરેક બાળકને મફત અને સારી શિક્ષણ સુવિધા મળશે, નાણાંની ખેંચના કારણે સંતાનને સારું શિક્ષણ નહીં અપાવી શકવાની સમસ્‍યા દૂર ક૨શે (૨) હયાત સરકારી શાળાઓને દિલ્‍હીની સરકારી શાળાઓની જેમ સુવિધાસજ્જ શાનદાર બનાવાશે અને મોટાપાયે નવી શાળાઓ ખોલવામાં આવશે (૩) તમામ ખાનગી શાળાઓનું સરકાર આઙ્ઘડિટ કરાવશે. જે શાળાઓએ વધુ ફી વસૂલી હશે તે શાળાઓ પાસેથી વાલીઓને ફી પરત અપાવાશે. ખાનગી શાળાને ફી વધારવી હોય તો સરકારની મંજૂરી લેવી પડશે. યુનિફોર્મ, પુસ્‍તકો વગેરે શાળામાંથી જ ફરજિયાત ખરીદવાના કે વિવિધ પ્રકારે ઉઘરાવાતી ફી દ્વારા શિક્ષણને ધંધામાં ફેરવી નાખનારી ખાનગી શાળાઓ પર સરકાર સકંજો કસશે (૪) કોન્‍ટ્રાક્‍ટ પર ફરજ બજાવતાં હંગામી શિક્ષકોને કાયમી કરાશે. શિક્ષકોને નોકરીની સલામતી સાથે સન્‍માન અપાશે. પ્રત્‍યેક ૨૫ કે ૩૦ છાત્રસંખ્‍યા સામે એક શિક્ષકના ધોરણે મોટાપાયે શિક્ષકોની ભરતી કરાશે (૫) શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્‍ય વધારાની કોઈ કામગીરી નહીં સોંપાય.

(10:33 am IST)