Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મોરબીના સનહાર્ટ ગ્રુપ દ્વારા અમદાવાદના સરદારધામ માટે રૂ. પાંચ કરોડનું અનુદાન જાહેર.

સરદારધામ દ્વારા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાનું અદકેરું સન્માન.

 મોરબી સ્થિત સનહાર્ટ ગ્રુપ દ્વારા અમદાવાદના સરદારધામ માટે રૂ. પાંચ કરોડનું અનુદાન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સરદારધામ દ્વારા ઉદ્યોગકાર ગોવિંદભાઈ વરમોરાનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં આવેલ સરદારધામ ખાતે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના ભાગરૂપે 76માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના શુભ અવસર પર સરદારધામની વૈચારિકયાત્રામાં મોરબીના અગ્રણી ઉદ્યોગકાર ગોવિંદભાઇ વરમોરા, ભુદરભાઈ વરમોરા, જગદીશભાઈ વરમોરા, હાર્દિકભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ – મોરબી) રૂ. 1 કરોડના દાતામાંથી વધારે રૂ. 4 કરોડ લખાવીને કુલ રૂ. 5 કરોડના ગૌરવવંતા ભામાશા તરીકે જોડાયા છે.
સરદારધામ ભવનદાતા તથા ઉપપ્રમુખ નટુભાઈ પટેલ, સરદારધામ યુનિવર્સિટી નામકરણ દાતા દિલીપભાઈ પટેલ (રાજા), સુનિલભાઈ ભન્ડેરી (ભવનદાતા), CA બી. કે. પટેલ, સી.ઇ.ઓ. એચ. એસ. પટેલ IAS (Retd.), પ્રમુખ સેવક ગગજી સુતરીયા એવમ ટીમ સરદારધામની વિનંતીને માન આપીને સરદારધામ સાથે જોડાયેલા છે. ત્યારે ટીમ સરદારધામ દ્વારા તેમને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિકૃતિ આપીને તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના સૂત્રને વળગી સમસ્ત પાટીદાર સમાજના હિત માટે કાર્યરત સરદારધામ સાથે મોરબીના પાટીદાર રત્ન અને સામાજિક આગેવાન ગોવિંદભાઈ પટેલ છેલ્લા 12 વર્ષથી જોડાયેલા છે. ત્યારે આર્થિક યોગદાન બદલ ટીમ સરદારધામ અને સમગ્ર ટ્રસ્ટીગણ એ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે

(12:31 am IST)