Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

કાલથી મેંદરડા તાલુકાના ઝીંઝુડામાં નવનિર્મિત સોમેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

સમગ્ર ગ્રામજનોના સહયોગથી ત્રણ દિવસ ધાર્મિક કાર્યક્રમનું આયોજન : નષ્ટ થઇ રહેલી પરિવારભાવના અને સંસ્કૃતિને ટકાવી રાખવામાં આવા ધર્મસ્થાનો મહત્વની ભૂમિકા અદા કરશે : કાર્યક્રમના માર્ગદર્શક હરસુખભાઇ વઘાસિયા : કેબીનેટ મંત્રીઓ જવાહરભાઇ ચાવડા અને જયેશભાઇ રાદડિયા તથા સાંસદ રમેશભાઇ ધડુક હાજર રહેશે : કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે મંત્રોચ્ચાર કરાશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૭ : મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે સદગુરૂની પ્રેરણાથી ભકતજનો, ગોપીમંડળ અને સમસ્ત ગ્રામજનોના સાથ સહકાર અને સહયોગથી રૂ.૩પ લાખના ખર્ચે નવા આકાર પામેલા પ્રાચીન સોમેશ્વર મહાદેવના નૂતન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સપ્તકુંડી યજ્ઞ સાથે ત્રણ દિવસ સુધી ધામધુમથી ઉજવવામાં આવશે. આગામી તા.૧૮થી ર૦ સુધી આ મહોત્સવ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં સાધુ-સંતો હાજર રહીને આશિર્વાદ પાઠવશે . જયારે સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ ક્ષેત્ર અને જ્ઞાતિ સમાજના આગેવાનો હાજર રહેશે. કોરોનાની માર્ગદર્શિકા પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ભીડ એકત્ર ન થાય તથા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય તેની કાળજી આ આયોજનમાં રાખવામાં આવશે.

મેંદરડા તાલુકાના ઝીંઝુડામાં પ્રાચીન સોમેશ્વર મહાદેવના નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા.૧૮ને બુધવારથી શરૂ થશે. પ્રથમ દિવસે સવારે દેહશુદ્ઘિ પ્રાયશ્ચિત, જલયાત્રા, ગણપતિ પૂજન, બપોરે નગરયાત્રા અને રાત્રે રાસ ગરબા રાખવામાં આવ્યા છે. જયારે તા.૧૯ને ગુરૂવારે આખો દિવસ ધાર્મિક પૂજન-અર્ચન બાદ રાત્રે ૯ કલાકે કાન-ગોપીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તા.૨૦ને શુક્રવારના રોજ મુખ્ય દિવસે સવારે ૯ કલાકે મૂર્તિ ન્યાસ વિધિ, શિખર અભિષેક, ધ્વજારોહણ, બપોરે ૧૨.૩૦ કલાકે મૂર્તિપ્રતિષ્ઠા તથા સાંજે પ કલાકે પૂર્ણાહુતિ થશે. તથા સાંજે ૭ કલાકે ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. આ મહોત્સવ સંદર્ભે વિશેષ સપ્તકુંડી યજ્ઞ રાખવામાં આવ્યો છે. બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે સમગ્ર પૂજનવિધિ કરવામાં આવશે.

કેબીનેટ મંત્રીઓ જવાહરભાઈ ચાવડા અને જયેશભાઈ રાદડિયા તથા સાંસદ રમેશભાઈ ધડુક વગેરે હાજર રહેશે. કોરોના મહામારીને ધ્યાને લઈને કાર્યક્રમમાં સરકારની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવશે. આ તકે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન સોમેશ્વર મહાદેવને પ્રાર્થના કરવામાં આવશે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેરથી માનવ જાતનું રક્ષણ થાય તેમજ કોરોના મહામારી વિશ્વમાંથી વિદાય લે તેવી પ્રાર્થના પણ કરાશે.

સમુહલગ્ન પ્રણેતા અને લેઉવા પટેલ સમાજના સામાજિક આગેવાન તથા આ સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક એવા હરસુખભાઈ વઘાસિયાએ જણાવ્યું છે કે, આજે દિવસેને દિવસે નષ્ટ થઈ રહેલી પરિવારભાવના તથા સંસ્કૃતિને જાળવી રાખવામાં આવા ધર્મસ્થાનો જ મદદરૂપ બનશે. તંદુરસ્ત અને સ્વસ્થ સમાજના નિર્માણ થકી મજબૂત રાષ્ટ્રની રચનામાં ધર્મનું વિશેષ મહત્વ છે. ધાર્મિકતા થકી એક સંગઠનની રચના કરીને ઉત્ત્।મ માનવીનું નિર્માણ કરી શકાય છે. દાત્રાણાના ગોપીનાથ મહાદેવ મંદિર બાદ હવે ઝીંઝુડાનું સોમેશ્વર મહાદેવ મંદિર પણ ધાર્મિકતાના માધ્યમથી સમાજસેવાની આહલેક જગાડશે. હિન્દુ ધર્મમાં દેવોના દેવ મહાદેવજીની આરાધનાનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તેવા સમયે જ ઝીંઝુડાના ગ્રામજનો દ્વારા નૂતન મંદિરનું નિર્માણ કરાયું છે. જેનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે . આ કાર્યક્રમમાં તમામ ભકતોને ભાગ લેવા તેઓએ ઝીંઝુડાના ગ્રામજનો વતી અનુરોધ કર્યો છે. કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:23 pm IST)