Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

હળવદમાં મતદારો માટે એક ખાડો પણ નહિ બૂરનાર તંત્રએ મંત્રી જે રોડ પરથી પસાર થવાના છે એ રોડનું તાબડતોબ કામ પૂર્ણ કર્યું

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૧૭: તાલુકામાં વગર વરસાદે મોટાભાગના મુખ્ય માર્ગો હાલમાં ખાડા ખબડા યુકત બન્યા છે અને લોકો રજુઆત કરીને થાકયા હોવા છતાં આવા બિસ્માર માર્ગો મરામત કરવા તંત્રને સૂઝતું નથી ત્યારે શનવાનવેલા કેન્દ્રીય મંત્રી હળવદ તાલુકામાં જન આશીર્વાદ યાત્રા લઈને આવી રહ્યા હોય મતદારો માટે એક ખાડો પણ નહિ બુરનાર તંત્રએ મંત્રી જે રોડ પરથી પસાર થવાના છે એ રોડનું તાબડતોબ કામ શરૂ કરતા લોકો હરખાયા છે અને કેન્દ્રીય મંત્રી બધા ગામોમાં આવે તેવું ઈચ્છી રહ્યા છે.

હળવદને સારા માર્ગો સાથે ગ્રહ મેળ ન હોય તેમ મોટાભાગના બિસ્માર રોડ પર લોકોને અકસ્માત થવાની સાથે કાયમી કમરના દુઃખાવા થઇ જાય તેમ છે છતાં તંત્ર દ્વારા મુખ્ય માર્ગો રીપેર કરવાનું સૂઝતું નથી આ સંજોગોમાં ગ્રામ્ય માર્ગોની વાત જ થઇ શકે તેમ નથી.

દરમિયાન નવા નવા મંત્રી બનેલા મુંજપરા હળવદ તાલુકામાં જન આશીર્વાદ મેળવવા યાત્રા લઈને આવી રહ્યા હોય મંત્રીશ્રીને રોદો ન લાગે અને કમરનો દુખાવો ન થાય તે માટે સરકારી બાબુઓ દ્વારા મંત્રી જયાંથી પસાર થવાના છે તેવા વાંકાનેરના સામસર ચોકડી થી હળવદ માથક સુધી અને માથક થી હળવદ સુધીના ગામને જોડતા રોડને તાબડતોબ ડામરથી મઢવાનુ અને થીગડા નું કામ શરૂ કરી દીધું છે સાથે જ હળવદ શહેરના દસામાંના મંદિર થી ત્રણ રસ્તા સુધીના રોડને પણ મઢવામાં આવ્યો છે.તત્રની આ ઝડપભેર કામગીરી જોતા હળવદ તાલુકાના તમામ ગામના લોકો મંત્રી આવે તો રોડ બનતો હોય મંત્રી મહોદય પોતાના ગામમાં પણ આવે તો કમસેકમ રોડ રસ્તા તો બને તેવી ચર્ચાઓ કરતા થયા છે.

(11:38 am IST)